<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

સુરતના કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શીશુ કેસમાં પાલક પિતા સામે પોક્સો અને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

સુરતના  કામરેજમાં ગત 3 નવેમ્બરે ડેરા ખાડી નજીકથી ત્યજી દેવાયેલા નવજાત શિશુના કેસમાં પોલીસે સઘન તપાસ બાદ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ ઘટનાસ્થળેથી મૃત અવસ્થામાં મળી આવેલા આ શિશુની તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી એક બાયો મેડિકલ વેસ્ટ બેગ મળી આવી હતી, જે આ કેસ ઉકેલવા માટે નિર્ણાયક કડી સાબિત થઈ. પોલીસે બેગના સોર્સ અંગે તપાસ કરતા તે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હોવાનું સામે આવ્યું. CHCના સીસીટીવી ફૂટેજ તપાસતા, શિશુ ત્યજાયું તે પહેલા એક પુરુષ અને એક સગીર બાળકી આ બેગ સાથે નીકળતા જોવા મળ્યા હતા.

 

આ સીસીટીવી ફૂટેજ અને બાયો વેસ્ટ બેગના આધારે પોલીસે તપાસ કરતા એક અત્યંત શરમજનક હકીકત સામે આવી. નવજાત બાળકને જન્મ આપનાર યુવતી પર તેના પાલક પિતાએ જ દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી. સુરત રૂરલ એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આ નરાધમ પાલક પિતા દીકરી 14-15 વર્ષની હતી ત્યારથી તેનું શોષણ કરતો હતો. બાળકનો જન્મ થયો ત્યારે આરોપી દીકરીને પેટમાં દુખાવાનું બહાનું બતાવીને CHC માં લઈ ગયો હતો. જન્મ બાદ તરત જ તેમણે બાળકને એક બેગમાં છુપાવી દીધું અને બાદમાં બાઇક પર આવીને નંદશાળવાળા રોડ પર ત્યજી દીધું હતું.

 

પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને આ નરાધમ પાલક પિતાની ધરપકડ કરી છે. આરોપી સામે બળાત્કાર, પોક્સો એક્ટની સંબંધિત કલમો અને સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગંભીર ગુનામાં તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ઝડપથી ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ઘટનાએ સમાજ અને માનવ સંબંધોને શર્મસાર કર્યા છે.

(4:12 PM IST)