<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું

ટક્કર એટલી જોરદાર હતી કે બસ ફંગોળાઈને રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઇ અને એક હોર્ડિંગ સાથે અથડાઈ:અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ઇજા

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા એક પેસેન્જર બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવી રહેલું ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. 

બસ ડ્રાઇવર કથિત રીતે હાઇ સ્પીડમાં હતો અને અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક રોડ પર બમ્પ દેખાતા તેણે વાહન પર કાબૂ મેળવવા માટે અચાનક બ્રેક મારી દીધી હતી.આ દરમિયાન બસની બિલકુલ પાછળ આવી રહેલું ટ્રેલર સમયસર રોકાઈ શક્યું ન હતું અને ધડાકાભેર બસના પાછળના ભાગે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસ ફંગોળાઈને રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઇ હતી અને એક હોર્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરાવ્યો હતો. બાદમાં બંને વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત વધુ પડતી ઝડપ કે બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:41 AM IST)