<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

કમોસમી વરસાદથી કૃષિ ક્ષેત્રે ઉત્‍પાદન, આવકમાં ફટકોઃ અર્થતંત્ર માટે ચિંતાજનક

૨૪૯ તાલુકાના ૧૬ હજાર ગામ અસરગ્રસ્‍ત હોવાથી પાક ઉત્‍પાદનને અસરની ભીતિ : ૨૦૨૩-૨૪માં ખેતી-પશુપાલન ક્ષેત્રનું ઘરગથ્‍થું ઉત્‍પાદન ૧.૪૨ લાખ કરોડ હતું

અમદાવાદ તા.૭: રાજ્‍યમાં ચાલુ વર્ષે ચોમાસાની એક જ સિઝનમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડ્‍યો છે ત્‍યારે કૃષિના કુલ ઉત્‍પાદન ઉપર પણ નકારાત્‍મક અસર થાય તેવી ભીતિ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્‍યના ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રનું એકંદરે ઘરગથ્‍થું ઉત્‍પાદન ૧,૪૨,૩૮૬ કરોડ રૂપિયા થયું હતું. ખુદ સરકારના અંદાજ પ્રમાણે ૨૪૯ તાલુકાના ૧૬ હજારથી વધુ ગામમાં ખેતી પાકને નુકસાન જોવા મળ્‍યું છે ત્‍યારે કૃષિ ક્ષેત્રની પ્રગતિમાં અવરોધ આવી શકે છે.

રાજ્‍યમાં ૫૦ લાખથી વધુ ખેડૂતો છે, જેમાં ૧૬ લાખ નાના અને ૨૦ લાખથી વધુ સીમાંત ખેડૂતો છે. ૨૦૨૩-૨૪ના અંદાજ મુજબ, ખેતી અને પશુપાલન ક્ષેત્ર રાજ્‍યના એકંદરે મૂલ્‍ય વૃદ્ધિમાં ૧૩.૮ ટકાનો ફાળો હતો. ચાલુ સિઝને કમોસમી વરસાદમાં સૌથી વધુ નુકસાન થયું છે તેવા મગફળીના પાકનું ૨૦૨૩-૨૪માં ૪૬,૪૬,૦૦૦ ટન ઉત્‍પાદન થયું હતું. ૨૦૨૫ના વર્ષમાં ખરીફ ઋતુમાં મગફળીનું ૨૨ લાખ હેક્‍ટરમાં રેકોર્ડ બ્રેક ૧૨૫ ટકા વાવેતર થયું હતું. જેમાંથી લાખો હેક્‍ટરમાં મગફળીનો પાક નષ્ટ થઈ જવા પામ્‍યો છે. મગફળી પછી સૌથી વધુ નુકસાન થયું છે તેવા ડાંગરના પાકનું ૯ લાખ હેક્‍ટરમાં ૧૦૩ ટકા વાવેતર થયું હતું. કપાસનું ૨૦.૯૫ લાખ હેક્‍ટરમાં ૮૨ ટકા વાવેતર અને કઠોળ પાકનું ૧૧૫ ટકા વાવેતર થયું હતું. સરકારના પ્રાથમિક અંદાજ પ્રમાણે, ૧૦ લાખ હેક્‍ટરથી વધુ વિસ્‍તારમાં નુકસાન થયું હતું. સૂત્રોના કહેવા મુજબ, સામાન્‍યથી લઈ સંપૂર્ણ નુકસાન થયું હોય તેવા કમોસમી વરસાદથી અસરગ્રસ્‍ત વાવેતર વિસ્‍તાર ૪૨ લાખ હેક્‍ટર થવા જાય છે.

તે જોતા વર્ષ ૨૦૨૩-૨૪ પ્રમાણે મગફળીની હેક્‍ટરદીઠ ઉત્‍પાદક્‍તા ૨૭૪૦ કિલોગ્રામ હતી. ચોખાની હેક્‍ટરદીઠ ઉત્‍પાદકતા ૨૫૭૨ કિલોગ્રામ હતી. પહેલા અતિવૃષ્ટિ અને તે પછી કમોસમી વરસાદને કારણે આ મુખ્‍ય પાકો ઉપરાંત કઠોળ અને અન્‍ય ધાન્‍ય પાકની ઉત્‍પાદકતા ઉપર પણ ભારે અસર પડવાની સંભાવના જાણકારો વ્‍યક્‍ત કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્‍યના અર્થતંત્રની ગતિ જાળવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપતા કૃષિ ક્ષેત્રને મજબૂત ટેકો અનિવાર્ય બનશે.

(10:01 AM IST)