<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જંગી વીજળી બિલ ઘટાડવા સ્‍માર્ટ સ્‍ટ્રીટ લાઇટિંગ સિસ્‍ટમ અપનાવાશે

ઉર્જા વિભાગ દ્વારા સ્‍ટ્રીટલાઇટ એનર્જી એફિશિયન્‍સી એક્‍શન પ્‍લાન રજૂ કરવા સૂચના : તમામ શહેરો-ગ્રામ્‍ય વિસ્‍તારમાં સેન્‍સર ટેકનોલોજી અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરાશે

અમદાવાદ તા.૭: રાજ્‍યના તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં સ્‍માર્ટ લાઇટિગ સિસ્‍ટમ અપનાવવા અને હાઇવે તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં નવી લાઇટ રિપ્‍લેસમેન્‍ટ કરતી વખતે સૌર ઉર્જા સંચાલિત એલઈડી સિસ્‍ટમ શરૂ કરવા ઉર્જા વિભાગ દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની જાહેર સ્‍ટ્રીટ લાઈટનો વીજ વપરાશ વધી રહ્યો છે અને જંગી બિલ આવે છે ત્‍યારે ટાઈમર સેટિગમાં ફેરફાર, સેન્‍સર ટેકનોલોજી અને ઓછા ટ્રાફિક સમયે લાઇટ કેવી રીતે ઓછી થાય વિગેરે ઉપાય અપનાવી વીજ બચત કરવા નિર્દેશ અપાયા છે.

ઉર્જા વિભાગ દ્વારા સ્‍ટ્રીટ લાઈટ સિસ્‍ટમમાં ઓપરેશન ટાઈમિગ ઓપ્‍ટિમાઇઝેશન અને સ્‍માર્ટ લાઇટિગ સોલ્‍યુશન શરૂ કરવામાં આવશે. જેનો મહત્તમ અમલ તમામ મહાનગરો-નગરપાલિકાઓ, ગ્રામ અને તાલુકા પંચાયત સહિત અર્બન ડેવલપમેન્‍ટ મિશન, માર્ગ-મકાન વિભાગ, એસટી નિગમ વિગેરેને કરવા જણાવાયું છે. ચાલુ વર્ષના ડિસેમ્‍બરના અંત પહેલા તમામ સંસ્‍થાઓને તેમના વહીવટી વિભાગો સમક્ષ સ્‍ટ્રીટ લાઈટ એનર્જી એફિશિયન્‍સી એક્‍શન પ્‍લાન રજૂ કરવા પણ સૂચના અપાઈ છે. ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીને થર્ડ પાર્ટી એનર્જી ઓડિટરો દ્વારા ચકાસણી હાથ ધરવા પણ જણાવાયું છે.

સ્‍માર્ટ લાઇટિગના ભાગરૂપે ઉર્જા વિભાગે બદલાતા સૂર્યોદય-સૂર્યાસ્‍તના સમય અનુસાર માસિક ટાઈમર સેટિગ ફેરફારની ગોઠવણ કરવા જણાવ્‍યું છે. કુદરતી પ્રકાશ અપૂરતો હોય ત્‍યારે જ સ્‍ટ્રીટ લાઈટ ચાલુ થાય તે માટે લાઈટ આધારીત રેઝિસ્‍ટર ઓટોમેશન સિસ્‍ટમ અપનાવવી પડશે. જે આસપાસના પ્રકાશના આધારે ઓટોમેટિક સ્‍વિચિગ કરશે. સ્‍માર્ટ લાઈટ નિયંત્રણમાં રાત્રે ૧૨થી પરોઢિયે ૪ વાગ્‍યા સુધી ડિમ લાઇટ્‍સ રહે અને અવરજવર હોય ત્‍યારે જ લાઈટની તીવ્રતા વધે તેવા મોશન સેન્‍સર લગાવવા પણ જણાવાયું છે. અનેક સ્‍થળે હજુ પણ સોડિયમ વેપ હેલોજન સ્‍ટ્રીટ લાઈટ છે તેને બદલીને કાર્યક્ષમ એલઇડી લાઇટ્‍સ નાખવાની રહેશે. ગ્રામ્‍ય વિસ્‍તારો, હાઈવે અને ગામડાંના રસ્‍તાઓ ઉપરની સ્‍ટ્રીટ લાઇટ નવી કે બદલતી વખતે હવે સૌર ઉર્જાને પ્રાધાન્‍ય આપવા પણ સૂચના અપાઇ છે.

મ્‍યુનિસિપલ કોર્પોરેશનોએ સેન્‍ટ્રલ ડેશ બોર્ડથી સ્‍ટ્રીટ લાઇટિગના નિયંત્રણ અને દેખરેખ માટે સેન્‍ટ્રલાઈઝ્‍ડ રિમોટ મોનિટરિગ સિસ્‍ટમના અમલીકરણની વ્‍યવસ્‍થા ગોઠવવા ઉર્જા વિભાગે તાકીદ કરી છે. આ માર્ગદર્શક સૂચના સંદર્ભે ઉર્જા વિકાસ એજન્‍સી-ગાંધીનગરને મોનિટરિગ કરવા પણ જણાવાયું છે. જેથી વીજળીનો વ્‍યય ઘટે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના વીજ બિલમાં ઘટાડો થઇ શકે અને પર્યાવરણને ફાયદો થઇ શકે.

(10:02 AM IST)