News of Friday, 7th November 2025
કડીમાં કરુણાંતિકા :રમતા-રમતા એક સાત વર્ષની બાળકી કબાટમાં પૂરાઈ ગઇ: ગુંગળામણથી મોત
શોધખોળ દરમિયાન કપડાં મૂકવાનો કબાટ ખોલતા ઇશા તેમાંથી બેભાન અવસ્થામાં મળી આવી

મહેસાણાના કડીના કરણનગર રોડ પર રમતા-રમતા એક સાત વર્ષની બાળકી કબાટમાં પૂરાઈ ગઇ હતી અને ગુંગળામણથી તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુકન બંગ્લોઝમાં રહેતા સ્વાતિબેન ઘરના ધાબા પર કામ કરી રહ્યાં હતા એ સમયે તેમની 7 વર્ષીય દીકરી ઇશા નીચે રમી રહી હતી. થોડા સમય પછી સ્વાતિબેન નીચે આવ્યા ત્યારે ઇશા ક્યાં જોવા મળી ન હતી. તેમણે આસપાસ તપાસ કરી પણ તેની કોઇ ભાળ ન મળતા ચિંતામાં મુકાઈ ગયા હતા. શોધખોળ દરમિયાન કપડાં મૂકવાનો કબાટ ખોલતા ઇશા તેમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
ઇશાને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઇશાના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કડીમાં બનેલી આ દુઃખદ ઘટના વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. નાના બાળકોને ફ્રિજ, કબાટ કે અન્ય બંધ બોક્સ જેવી વસ્તુઓથી દૂર રાખવા જોઇએ જેથી કોઇ ગંભીર બનાવ ન બને.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
