News of Friday, 7th November 2025
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની વિદાયથી લોકસંસ્કૃતિએ ધબકાર ગુમાવ્યો
ગુજરાતી લોકવારસાને ચિરંજીવ બનાવનાર : * જોરાવરસિંહને લોકસાહિત્ય પ્રત્યેનો અનુરાગ વતનની માટીની મ્હેંકમાંથી જન્મ્યો હતો : * તેમણે તેમનું સંપૂર્ણ જીવન લોકસાહિત્યના સંશોધન અને પ્રચાર માટે સમર્પિત કર્યું હતું. : * મેઘાણીની વાર્તાઓ વાર્તાઓ તેમના હૃદયને સ્પર્શી ગઈ. એમાંથી તેમની લોકસાહિત્ય શોધયાત્રાનો આરંભ થયો હતો. : * ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, પુષ્કર ચંદરવાકર, મનુભાઈ જોધાણી, જયમલ્લ પરમાર, દુલેરાય કારાણી, બચુભાઈ રાવત અને હરકાન્ત શુક્લ જેવા વિદ્વાનોના પ્રોત્સાહને જોરાવરસિંહને કલમ પકડાવી. : * કોલેજ કાળમાં જોરાવરસિંહે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું મનોહર સ્વપ્ન સેવ્યું હતું. : * તેઓ રોજ સવારે ગળો-ઘનવટી અને હળદર-સુંઠનું દૂધ લે, ચ્યવનપ્રાસ અને ડ્રાયફ્રુટ લેતા. પછી બગીચામાં ચાલે, પ્રાણાયામ-કસરતો કરે, લાફિંગ-ક્લબમાં મિત્રો સાથે કલાકેક આનંદ કરતા. તબિયત સરસ રહેતી પણ બીપીની ગોળી લેતા. * લોક-કલા સંશોધનનું કાર્ય તેમને સતત ચાલુ રાખ્યું હતું. દેશભરનાં ૫૦૦૦ કલાકારોના સંપર્કમાં હતા. * ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે વપરાય છે.

રાજકોટ, તા. ૦૭ : ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે ૭ નવેમ્બરના રોજ અવસાન થયું છે. વર્ષ ૨૦૧૯માં તેઓને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત ૯૯ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરેલ છે. એમની કલમમાં આપણી સંસ્કૃતિ જાણે ખીલી ઉઠતી, ભાષાશૈલીમાં ગ્રામ પરિવેશ આબેહૂબ ઊભો થતો જોવા મળતો. જોરાવરસિંહને લોકસાહિત્ય પ્રત્યેનો અનુરાગ વતનની માટીની મ્હેંકમાંથી જન્મ્યો હતો. ગુજરાતી લોકવારસાને ચિરંજીવ બનાવનાર એ કલાકારને આપણે ગુમાવ્યા છે જાણે લોકસંસ્કૃતિએ ધબકાર ગુમાવ્યો હોય તેવો ખાલીપો વર્તાયો છે.
જોરાવરસિંહ જાદવનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દાનુભાઈ હલુંભાઈ અને માતાનું નામ પામબા હતું. જેઓ વ્યવસાયે ખેડૂત હતા. જોરાવરસિંહ છ ભાઈ-બહેનોમાં બીજા ક્રમના હતા. તેમનું બાળપણ આકરું ગામમાં વીત્યું અને તેમનો ઉછેર તેમની સાવકી માતા ગંગાબાએ કર્યો. જોરાવરસિંહને બાળપણમાં લોકસાહિત્ય અને લોકકલાઓનો ઊંડો અનુભવ પ્રાપ્ત થયો હતો. જોરાવરસિંહે ૧ થી ૪ ધોરણનું પ્રાથમિક શિક્ષણ આકરુમાં લીધા બાદ ધોરણ ૫ થી ૯ સુધીનું શિક્ષણ ધોળકામાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. તેમને ધોળકા રાજપૂત-સમાજની બોર્ડિંગમાં, પછી બે વર્ષ જયંતીભાઈ-દેવીબેનના ઘેર રહી અભ્યાસ કર્યો અને સાચું ઘડતર પામ્યા. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવ્યું હતું. તેઓ ઇ.સ .૧૯૬૧માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને ઇતિહાસ વિષય સાથે સ્નાતક થયા. ત્યારબાદ ઇ.સ. ૧૯૬૩ માં ભો.જે વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે અનુસ્નાતક થયા. આ અભ્યાસના કારણે તેમની લોકસાહિત્ય અને લોકકલા પ્રત્યે વધારે રુચિ પ્રગટી. ઇ.સ ૧૯૬૪માં તેઓ ગુજરાત રાજ્ય સરકારી સંઘમાં પ્રકાશક તરીકે જોડાયા હતા. અભ્યાસ પછી ૧૯૬૪માં ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે જોડાયાબાદ ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓની રાજ્યકક્ષાની ટોચની સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી નિમાયા અને તે પદેથી જ નિવૃત્ત થયા. તેમણે તેમનું સંપૂર્ણ જીવન લોકસાહિત્યના સંશોધન અને પ્રચાર માટે સમર્પિત કર્યું હતું.
૧૯૬૮માં તેમનું પહેલું પુસ્તક ‘મરદ કસુંબલ રંગ ચડે' પ્રકાશિત થયું હતું, જે લોકસંસ્કૃતિના અભ્યાસનો આરંભ હતો. તેમણે લોકનૃત્યો, લોકવાદ્યો, લોકગીતો, વેશભૂષા, અને વીરરસની ગાથાઓ પર સંશોધન કરીને અસંખ્ય ગ્રંથોનું સંપાદન કર્યું છે. આ કારણે જ તેમને લોકસંસ્કૃતિના એક મહત્વપૂર્ણ સંશોધક અને પ્રચારક તરીકેની નામના મળી હતી. તેમણે ‘સહકાર' સાપ્તાહિક અને ‘ગ્રામસ્વરાજ' જેવા માસિકોનું પણ સંપાદન કર્યું હતું. તેમણે ભાતીગળ લોકકથાઓ અને મનોરંજક કથામાળા જેવા બાળવાર્તાઓનાં પુસ્તકો પણ લખ્યા હતા.
જોરાવરસિંહને કોલેજમાં મેઘાણીની વાર્તાઓ ભણવામાં આવતી. આ વાર્તાઓ તેમના હૃદયને સ્પર્શી ગઈ. એમાંથી તેમની લોકસાહિત્ય શોધયાત્રાનો આરંભ થયો હતો. વિધાર્થી કાળે શરૂ થયેલા તેમના આ કાર્યને ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, પુષ્કર ચંદરવાકર, મનુભાઈ જોધાણી, જયમલ્લ પરમાર, દુલેરાય કારાણી, બચુભાઈ રાવત અને હરકાન્ત શુક્લ જેવા વિદ્વાનોએ રસપૂર્વક આવકાર્યું. એમના પ્રોત્સાહને જોરાવરસિંહને કલમ પકડાવી.
કોલેજ કાળમાં જોરાવરસિંહે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું મનોહર સ્વપ્ન સેવ્યું હતું. તેમના પિતાને જાણ થઈ એટલે સ્પષ્ટપણે કહ્યું : ‘સિનેમામાં જઈને તારે શું આપણી સાત પેઢીનું અને બાપનું નામ બોળાવું છે? ખબરદાર ! જો, દીકરા ઈ રવાડે ચડ્યો છું ને તો આપણા હોકા-પાણી બંધ થઈ જશે.' તે દિવસથી જોરાવરસિંહે નાટક- ફિલ્મનું સોણલું હૈયાના અગોચર ખૂણે દબાવી દીધું હતું. અને સાહિત્યને હૈયામાં સમાવ્યું.
જોરાવરસિંહ જાદવ એકસાથે ઘણી ભૂમિકા અદા કરતા હતા. તેઓ હાડોહાડ કર્મશીલ હતા. જો તેમણે ધાર્યું હોત તો તેઓ એક ઓરડામાં બેસીને માત્ર લખતા રહી શક્યા હોત અને તેમનાં પુસ્તકોની સંખ્યા દર વર્ષે નહિ, દર મહિને કૂદકે ને ભૂસકે વધતી હોત પણ તેઓ કર્મના પણ માણસ હતા. તેઓ સતત ફરતા. ગુજરાતમાં ગામેગામ સરળતાથી ફરી શકાય તે માટે શરીરને પણ નિયંત્રણમાં રાખતા. ઉંમરનો થાક ન તો તેમના ચહેરા પર દેખાય કે ન વધતી ઉંમર તેમના ઉત્સાહ અને કાર્યને અવરોધતી. જોરાવરસિંહ જાદવ સાહિત્ય ક્ષેત્રે સંશોધક ઉપરાંત રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પણ હતા.
મુંબઈમાં ‘‘ઓલ ઈન્ડિયા ફોકલોરર્સ કોન્ફરન્સ'' યોજાઈ. એમાં ગુજરાત રાજ્યમાંથી ત્રણ પ્રતિનિધિઓ પસંદ થયા. સર્વશ્રી કે. કા. શાષી, શ્રી એલ. ડી. જોશી અને જોરાવરસિંહ જાદવ. એ વખતે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. ‘ભાલપ્રદેશની લોકસંસ્કૃત્યિ' વિશે અંગ્રેજીમાં તલસ્પર્શી નિબંધ રજુ કરીને પ્રતિનિધિઓને મંત્ર-મુગ્ધ કરી દીધા. સૌએ એમની પીઠ થાબડી હતી.
તબિયત જાળવવી તે માણસની ફરજ છે. તેઓ રોજ સવારે ગળો-ઘનવટી અને હળદર-સુંઠનું દૂધ લે, ચ્યવનપ્રાસ અને ડ્રાયફ્રુટ લેતા. પછી બગીચામાં ચાલે, પ્રાણાયામ-કસરતો કરે, લાફિંગ-ક્લબમાં મિત્રો સાથે કલાકેક આનંદ કરતા. તબિયત સરસ રહેતી પણ બીપીની ગોળી લેતા. જાતે ડ્રાઇવ કરીને ભાવનગર સુધી જઈ શકતા. ખાવા-પીવામાં સાદગી, પણ જમ્યા પછી મીઠાઈ તો જોઈએ જ! રાત્રે જમીને ૫૦૦ ડગલાં ચાલવું તેમનો નિત્યક્રમ હતો. તેમને યુવા-કલાકારો અને કલાકારોનાં બાળકો સાથે સારો પરિચય. તેઓ પરંપરા, વેશભૂષા, સંસ્કારો જાળવે અને ફિલ્મો જોઈ બગડે નહીં તેવી આશા રાખતા અને કહેતા લોકકલાના કલાકારો બાળકોને ભણાવે જરૂર, પરંતુ પરંપરા જીવંત રહે તેનું ધ્યાન રાખે. કોલેજોમાં, સામાજિક સંસ્થાઓમાં લોક-કલા ઉપર પ્રવચન માટે તેમને બોલાવતા. તેઓ યુવાનોને લોક-નૃત્યના પ્રોગ્રામો બતાવી તેમાં રસ લેતાં કરતા.
તેમની ફોર્મલ નિવૃત્તિને ૨૩ વર્ષ થયાં છે, પણ લોક-કલા સંશોધનનું કાર્ય તેમને સતત ચાલુ રાખ્યું હતું. દેશભરનાં ૫૦૦૦ કલાકારોના સંપર્કમાં હતા. તેમને કામ અપાવવું, દેશ-પરદેશ મોકલવાં, ક્યારેક ગ્રુપની સાથે જવું, કોઈ સ્ટેજ ના આપે તેવા કલાકારોને સ્ટેજ અપાવવું. લોક-કલા, લોક-સાહિત્ય, લોક-સંસ્કૃતિના સંશોધન માટે ગામેગામ ફરીને, વાદી-મદારીથી રાજા-મહારાજા સુધી પરિચય કેળવી કામ કર્યું હતું. તેમના વતનમાં લોક-કલાનું મ્યુઝિયમ પણ બનાવ્યું છે. વાંચન, લેખન, ગુજરાતનાં તમામ છાપામાં લોકકલાની કોલમ લખતા હતા. તેમને ૯૯ પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે વપરાય છે. તેમની ‘ગુજરાતનો લોક-કલા વૈભવ' જીપીએસસી ની રેફરન્સ-બૂક તરીકે માન્ય છે.
જોરાવરસિંહજીના લગ્ન મે, ૧૯૬૩માં દાંતા તાલુકાના ભવાનગઢ ગામના વદનસિંહ ચાવડાની પુત્રી સ*નબા સાથે થયા હતા. તેમને બે સંતાન થયા હતા.(ચિત્રાદેવી અને રાજેશ્રી) પરંતુ અકસ્માતમાં સ*નબાનું અવસાન થતાં તેમણે ઇ.સ. ૧૯૬૯ના રોજ હેમકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. હેમકુંવરબા અને જોરાવરસિંહને ત્રણ સંતાન (સુપ્રિયા, રાજકુમારી અને નરેન્દ્રસિંહ) થયા હતા. ઇ.સ. ૧૯૬૩માં અનુસ્નાતક થયા પછી તેઓ પંચશીલ હાઈસ્કૂલ, સરસપુરમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે સેવા બજાવી હતી. તેમના પુત્ર નરેન્દ્રસિંહ પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે.
તેઓએ એક ઇન્ટરવ્યુમાં બહુ સુંદર વાત કહેલી કે, ભારત પાસે કલા અને સંસ્કૃતિની સમૃદ્ધિ છે તે બીજા કોઈ દેશ પાસે નથી. પરંપરાને જાળવવાની જવાબદારી સરકારની, મહાજનોની અને આપણા સૌની છે. દુષ્કાળ પડે તો અનાજ પરદેશથી લાવી શકાય, કલા-સંસ્કૃતિ નહીં!
જોરાવરસિંહ જાદવના સાહિત્યિક કાર્યો..
જોરાવરસિંહે ગ્રામજીવનને અનુલક્ષીને વાર્તાઓ લખી. જેમાં તેમની ખ્યાતનામ વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે (૧૯૭૦), લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ (૧૯૭૪) અને રાજપૂત કથાઓ (૧૯૭૯)નો સમાવેશ થાય છે. તેમણે ભાતીગળ લોકકથાઓ (૧૯૭૩) અને મનોરંજક કથામાળા (૧૯૭૭) નામના બાળવાર્તાઓના પુસ્તકો પણ લખ્યાં. આ ઉપરાંત તેમણે સંદર્ભસાહિત્યની પણ રચના કરી જેમાં આપણા કસબીઓ (૧૯૭૨), લોકજીવનના મોભ (૧૯૭૫), ગુજરાતની લોકસંસ્કૃતિ (૧૯૭૬) લોકસંસ્કૃતિમાં પશુઓ (૧૯૭૯) અને પ્રાચીન ભારતનાં શષાષો (૧૯૮૧) નો સમાવેશ થાય છે. ત્યારબાદ સજે ધરતી શણગાર (૧૯૭૨), લોકસાહિત્યની નાગકથાઓ (૧૯૮૪) જેવા લોકસાહિત્ય સંપાદનના ગ્રંથોની પણ રચના કરી.
ઇ.સ. ૧૯૫૮ થી તેમણે લખેલા લોકસાહિત્ય અને સંસ્કૃતિ પરના સંશોધનાત્મક લેખો પણ છાપવા લાગ્યા. તેમના લેખો બુદ્ધિપ્રકાશ, નૂતન ગુજરાત, રંગતરંગ, અખંડ આનંદ અને ગુજરાત સમાચાર જેવા સમાચાર પત્રો અને સામયિકોમાં પ્રગટ થતા હતા. આથી તેમને લોકસાહિત્યના સંશોધક અને પ્રચારક તરીકેની નામના પ્રાપ્ત થઈ. તેમણે ઇ.સ ૧૯૬૪થી સરકાર સાપ્તાહિક અને ગ્રામસ્વરાજ તથા જિનમંગલ માસિકના સંપાદનની જવાબદારી સંભાળી હતી. તેમણે કલાને લોકો સમક્ષ રજુ કરવા સામયિકોની સાથે રેડિયો અને ટેલિવિઝનમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન-સંચાલન કર્યું હતું. તેમણે ઇ.સ. ૧૯૭૮માં 'ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનની અભણ, શોષિત અને વિચરતી જાતીના લોકકલાકારોને લોકો સમક્ષ આવવાની અને પોતાની અભિવ્યક્તિ કરવાની તક મળી હતી.
જોરાવરસિંહ જાદવે લોકસંસ્કૃતિ ઉપરાંત પ્રાચીન કલા-સંસ્કૃતિ-ક્ષેત્રે પણ કાર્ય કર્યું છે. પોતાના વતન આકરુ ગામ પાસેના ખારવીના નામના તળાવ પાસેના એક ટીંબામાંથી ૪,૦૦૦ વર્ષ પુરાણી સિંધુ સંસ્કૃતિના અવશેષરૂપ વાસણો, તાંબાનાં ઘરેણાં, મણકા ઇત્યાદિ શોધી કાઢ્યાં છે.

જોરાવરસિંહ જાદવના જીવન સાથે સંકળાયેલ યાદગાર પ્રસંગો...
* આકાશવાણી પર આવતી શૌર્ય-કથાઓનું તેમના પહેલા પુસ્તક ‘‘મરદ કસુંબલ રંગ'' રૂપે પ્રકાશન, વિદ્વાન કેકા શાષીનું પ્રુફરીડિંગ, પૂજ્ય મોટાના અમૃત-મહોત્સવ પ્રસંગે આશીર્વાદ સાથે પુસ્તક-વિમોચન!
* પુષ્કરના મેળામાં ગુલાબીનો સરસ ડાન્સ જોઈ અમદાવાદના મોટા પ્રોગ્રામમાં તેને સ્ટેજ અપાવ્યું. એના ડાન્સે ધમાલ કરી મૂકી! ૧૯૮૫માં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ફ્રાંસમાં અને પછી ૮૦ ઉપરાંત દેશોમાં તે પ્રોગ્રામ કરી આવી! ૨૦૧૬માં ગુલાબીને ‘‘પદ્મશ્રી'' પુરસ્કાર મળ્યો!
* કોઇમ્બતુરમાં ઇન્ટરનેશનલ મેજિક કન્વેન્શનમાં ધાંગધ્રાના પાઘડીધારી દઢિયલ સમજુનાથે હાથ-ચાલાકી અને સાપ-વીંછીના ખેલ કરી લોકોનાં દીલ જીતી વિશ્યમ-૨૦૦૦ પુરસ્કાર ઝડપી લીધો!
* અમદાવાદમાં દર-વર્ષે લોકનૃત્યના પ્રોગ્રામમાં કલાકારોને નેશનલ એવોર્ડ અપાય (આજ-પર્યંત લગભગ ૧૦૦ એવોર્ડ) પ્રોગ્રામમાં આશરે બે લાખનો ખર્ચ થાય. અમદાવાદનાં દાતાઓ અને મહેમાનો તે ખર્ચ સહર્ષ ઉપાડી લે છે!

(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
