<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

અમૂલ દૂધમાં '૨૨ પ્રકારના કેમિકલ' અને 'ડીડીટી' હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ: રાજકોટના ડૉક્ટર સામે અમૂલે નોંધાવી પોલીસ ફરિયાદ

અમૂલનો આરોપ છે કે આ વીડિયોમાં ડૉ. જાનીએ અમૂલ બ્રાન્ડને નિશાન બનાવીને અત્યંત ગંભીર અને તથ્યહીન દાવા કર્યા હતા.

અમદાવાદ: વિશ્વ વિખ્યાત બ્રાન્ડ 'અમૂલ' (જીસીએમએમએફ) દ્વારા રાજકોટના એક તબીબ ડૉ. હિતેશ જાની વિરુદ્ધ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડૉ. જાની પર આરોપ છે કે તેમણે યુટ્યુબ અને ફેસબુક પર એક વીડિયો અપલોડ કરી એવો ભ્રામક દાવો કર્યો હતો કે અમૂલ દૂધમાં ૨૨ પ્રકારના કેમિકલ, ડીડીટી જેવી પ્રતિબંધિત જંતુનાશક દવાઓ હોય છે અને દૂધ ૭ દિવસ જૂનું હોય છે. અમૂલ ફેડરેશને આ વીડિયોને બ્રાન્ડની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો અને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ ગણાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વિગતવાર જોઈએ તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ), જે 'અમૂલ' બ્રાન્ડનું સંચાલન કરે છે, તેણે સોશિયલ મીડિયા પર બ્રાન્ડ વિરુદ્ધ કથિત રીતે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવા બદલ રાજકોટના એક ડોક્ટર સામે ગંભીર પગલું ભર્યું છે. 
અમૂલ ફેડ ડેરી, ગાંધીનગરના આસિસ્ટન્ટ મેનેજર (ક્વોલિટી એશ્યોરન્સ) આકાશ વિજયકુમાર પુરોહિતે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાજકોટના રહેવાસી ડૉ. હિતેશ જાની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ મુજબ, ડૉ. હિતેશ જાનીએ 'તમારા ઘરે કેવું દૂધ આવે છે?' એવા શીર્ષક સાથે એક વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અમૂલનો આરોપ છે કે આ વીડિયોમાં ડૉ. જાનીએ અમૂલ બ્રાન્ડને નિશાન બનાવીને અત્યંત ગંભીર અને તથ્યહીન દાવા કર્યા હતા.
વીડિયોમાં કરાયેલા મુખ્ય દાવા:
 * અમૂલ દૂધમાં ૨૨ (બાવીસ) પ્રકારના અલગ-અલગ કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે.
 * દૂધમાં ડીડીટી જેવી પ્રતિબંધિત અને હાનિકારક જંતુનાશક દવાઓની ભેળસેળ કરવામાં આવે છે.
 * ગ્રાહકો સુધી પહોંચતું પેકેટ દૂધ ૭  દિવસ જૂનું હોય છે.
 * કંપની દૂધના પાઉચમાં ઓછો જથ્થો ભરીને ગ્રાહકો સાથે નફાખોરી અને છેતરપિંડી કરે છે.
 * વીડિયોમાં દાવો કરાયો હતો કે આ સમગ્ર સિસ્ટમ્સ વિદેશી નિયંત્રણ હેઠળ છે અને લોકોને આ 'ષડયંત્ર'નો પર્દાફાશ કરવા વીડિયો વાયરલ કરવાની અપીલ કરવામાં આવી હતી.
અમૂલ (જીસીએમએમએફ)નો પક્ષ:
અમૂલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડૉ. હિતેશ જાની, જે પોતે એક તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે જાણીજોઈને લોકોમાં ભય અને અવિશ્વાસ પેદા કરવાના ઈરાદાથી આ ભ્રામક વીડિયો બનાવ્યો છે. આ કૃત્યથી અમૂલ બ્રાન્ડની વર્ષોની પ્રતિષ્ઠા અને ગુડવિલને નુકસાન પહોંચ્યું છે.
ફરિયાદીએ જણાવ્યું કે ડૉક્ટરના આવા પાયાવિહોણા આક્ષેપો માત્ર એક બ્રાન્ડને જ નહીં, પરંતુ ભારતના સમગ્ર સહકારી આંદોલન અને ડેરી ઉદ્યોગની વિશ્વસનીયતા પર હુમલો છે.
પોલીસ કાર્યવાહી:
ચાંદખેડા પોલીસે અમૂલ ફેડરેશનની ફરિયાદના આધારે ડૉ. હિતેશ જાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 
પોલીસ હવે આ વીડિયોના સ્ત્રોત, તેના પાછળના ઈરાદા અને તેને વાયરલ કરવામાં કોની ભૂમિકા છે તે અંગે વધુ તપાસ કરશે.

 

(7:56 PM IST)