<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

સુરતમાં ઇલેક્ટ્રિક બસોને કારણે વાતાવરણમાં દર મહિને 200 ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો

સુરત મનપાએ તેના BRTSના તમામ 13 રૂટને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસ સંચાલિત કરી દીધા

સુરત શહેરે પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણની દિશામાં એક મોટું અને નોંધપાત્ર પગલું ભર્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ એ માત્ર એક પરિવહન સુવિધા નથી. પરંતુ તે સ્માર્ટ સિટી માંથી ગ્રીન સિટી બનવા તરફની એક ક્રાંતિ છે. આ પહેલના પરિણામે સુરતના વાતાવરણમાંથી દર મહિને સેંકડો ટન ઝેરી કાર્બન ડાયોક્સાઇડ ઘટ્યો છે, જેણે શહેરની હવાને શુદ્ધ કરવામાં મોટો ફાળો આપ્યો છે.

સુરત મનપાએ તેના BRTSના તમામ 13 રૂટને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસ સંચાલિત કરી દીધા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર સુરત દેશના અગ્રણી શહેરોમાંનું એક છે. BRTS રૂટ પરની 352 ડીઝલ બસોને ઇલેક્ટ્રિક બસો સાથે બદલવાના કારણે, સુરતના વાતાવરણમાં દર મહિને 200 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થતું અટક્યું છે. જેના કારણે દૈનિક 6.50 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટક્યું છે. આ આંકડો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો, અંદાજે 2400 ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતો અટકે છે. આ તમામ 13 BRTS રૂટ હવે સાચા અર્થમાં 'ગ્રીન રૂટ બની ગયા છે, જે શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને સાકાર કરે છે. શહેરમાં દરરોજ 2 લાખથી વધુ મુસાફરો માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લે છે, જે પૈકી 1.25 લાખથી વધુ મુસાફરો BRTS રૂટ પર દોડતી આ 352 ઈલેક્ટ્રિક બસમાં સવારી કરી રહ્યા છે.

આ પર્યાવરણીય લાભની સાથે-સાથે જબરદસ્ત આર્થિક બચત પણ થઈ રહી છે. 352 ઇલેક્ટ્રિક બસોના સંચાલનથી દરરોજ 6000 લિટર ડીઝલનો વપરાશ બંધ થયો છે. ડીઝલ બસો દૈનિક સરેરાશ 25000 કિલોમીટર ચાલતી હતી અને ડીઝલને કારણે દર કિલોમીટરે 0.25 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હતું. આનાથી માત્ર આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટી નથી, પરંતુ કરોડો રૂપિયાના વિદેશી હૂંડિયામણની પણ બચત થાય છે. ડીઝલની બચત થકી, સુરત મહાનગરપાલિકાને વાર્ષિક ધોરણે અંદાજે 15 કરોડ રૂપિયાની સીધી આર્થિક બચત થઈ રહી છે. આ બચતનો ઉપયોગ શહેરના અન્ય વિકાસ કાર્યોમાં થઈ શકે છે.

(12:24 AM IST)