<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાહત પેકેજ ગુજરાતના ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા બરાબરઃ અમિત ચાવડા

સરકાર ઉદ્યોગો માટે તિજોરી ખુલ્‍લી મૂકે છે અને ખેડૂતો માટે ફક્‍ત પોકળ જાહેરાત કરે છે : ગુજરાતના ખેડૂતોની ચિતા હોય તો સંપૂર્ણ દેવા માફ કરોઃ ગુજરાતમાં તાત્‍કાલિક પાક વીમા યોજના લાગુ કરોઃ અધ્‍યક્ષ પ્રદેશ મંત્રી

રાજકોટ તા.૮: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે, જે પાયમાલી થઈ છે, એના માટે કહેવાતું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે.

પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો ૭૨ લાખ હેક્‍ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયું એનો અંદાજ છે, એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો ૪૨ લાખ હેક્‍ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે.

જ્‍યારે મોટી વાતો જાહેરાતો થાય છે, એની મોટી મોટી વાહવાહી થાય છે, ત્‍યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર, ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે ૩૩,૦૦૦ કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને ૬૦,૦૦૦ કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે. એ સ્‍પષ્ટ બતાવે છે કે ૧૦,૦૦૦ કરોડના કહેવાતા ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્‍થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્‍ટર ખર્ચો કેટલો છે? પ્રતિ હેક્‍ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે, એને વેચવા જાય તો એને જે આવક થવાની, એનો સરવાળો કરીએ તો એક વીઘાના ૫૦,૦૦૦ રૂપિયા સુધી કપાસમાં અને અન્‍ય પેદાશોમાં એટલી જ આવકની શક્‍યતાઓ છે  જે ખેડૂતોની મહેનત હતી.

એની સામે આ પેકેજ નહીવત છે. આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોંકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિડી કરવા બરોબર છે. સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો, ખેડૂતોનો આક્રોશ જોયો, રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યો છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે ૧૦,૦૦૦ કરોડના પેકેજની જાહેરાત કરે છે. પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્‍કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ. હેમાંગ મહિપતરામ રાવલ, પ્રવક્‍તા અને મીડિયા કોર્ડીનેટર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની યાદિમાં જણાવાયું છે.

(11:17 AM IST)