<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

અમદાવાદના થલતેજ અંડરપાસમાં ગમખ્વાર અકસ્માત બંધ આઇસર પાછળ કાર ઘૂસી જતા કારચાલકનું મોત

અકસ્માત થતાની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર: કારમાં સવાર 2 યુવતીઓને ઇજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ

અમદાવાદના થલતેજ અંડરપાસમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંધ આઇસર પાછળ કાર ઘૂસી જતા કારચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર 2 યુવતીઓને ઇજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. 

     પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ અંડરપાસમાં એક યુવક પોતાની કીઆ સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે કારની ટક્કર થતાં કારચાલક યુવકનું કરૂણ મોત થયુ હતું. આ મામલે એસ. જી. 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત થતાની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી તપાસ શરૂ કરી છે.

     પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, કારચાલકનું નામ આર્યન બત્રા છે અને તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલ્સન ફ્લેટમાં રહે છે. અકસ્માતના કારણે આર્યનને શરીર પણ ગંભીર ઈજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આર્યનની સાથે તેની બે મહિલા મિત્ર પણ હતી, જેમને શરીર પર ઈજા પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બન્ને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે. એસજી 1 ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

(1:24 PM IST)