<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

સી.એમ. ઓફિસમાં ગાંધીનગરથી બોલું છું... તેમ કહી બેંકના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા

તમારી પત્‍નીને ડિલીવરી વખતે મળતા રૂપિયા તમારા ખાતામાં આવ્‍યા છે, પણ બેંકી ડિટેલ આપો તેમ કહી ફ્રોડ આચરવામાં આવે છે

અમદાવાદઃ કાલોલ તાલુકાના કેટલાક ગામોમાં આંગણવાડીના નામે મોટો સાયબર ફ્રોડ થતો જોવા મળ્યો છે. આ ફ્રોડમાં કેટલીક અજાણી વ્યક્તિઓ “સી.એમ.ઓફિસ ગાંધીનગરથી બોલું છું” કહી લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉડાવી રહી છે.

ફ્રોડ કરનાર વ્યક્તિ લોકોના મોબાઇલ પર કોલ કરીને કહે છે કે, “તમારી પત્નીને ડિલિવરી વખતે મળતા રૂપિયા (₹12,500) તમારા ખાતામાં આવ્યા છે, પણ તમે તમારી બેંક વિગતો આપી નથી.” ત્યારબાદ તે વ્યક્તિ લાભાર્થી મહિલાનું નામ, આંગણવાડીનું નામ અને સંચાલકનું નામ બોલીને વિશ્વાસ જગાવે છે.

પછી તે કહે છે કે, “તમારી પત્નીનો આધાર નંબર મેચ કરવો છે, તમારું ખાતું ચેક કરવું છે, અને તમને OTP મોકલવામાં આવ્યો છે – તે આપો.”ભોળા લોકો OTP આપે છે, તેમનાં ખાતામાંથી રૂપિયા ઉડી જાય છે.

કાલોલ તાલુકાના શામળદેવી ગામમાં આવા કોલ 9153062499 નંબર પરથી અનેક લોકોને આવ્યા હતા. અંદાજે 15 જેટલા લોકોને કોલ કરીને કુલ ₹30,000 થી વધુ રકમ ફ્રોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ICDS વિભાગ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈપણ લાભાર્થીને સરકાર કે આંગણવાડી દ્વારા આવા કોલ કરવામાં આવતા નથી. આ મુદ્દે પીડિત લોકોએ ઑનલાઇન ફરિયાદ કરી છે તેમજ કાલોલ પોલીસ મથકે લેખિત અરજી પણ આપવામાં આવી છે.

(1:19 PM IST)