<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

નેપાળમાં પર્વતારોહણ માટે ગયેલા અને ભારે હિમવર્ષા બાદ સંપર્કવિહોણા બનેલા પિતા -પુત્રીના મૃતદેહ મળ્યા

પિતા અને પુત્રી નેપાળના દુર્ગમ પહાડી વિસ્તાર અન્નપૂર્ણા 3 તરફ ટ્રૅકિંગ દરમિયાન ગુમ થઇ ગયા હતા : બારડોલીનું કડોદ ગામ અને સમગ્ર પટેલ પરિવાર શોકમાં ગરકાવ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નેપાળમાં પર્વતારોહણ માટે ગયેલા પિતા-પુત્રી, જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની ધોરણ-11માં અભ્યાસ કરતી પુત્રી પ્રિયાંશી (વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)ના મૃતદેહ મળી આવ્યા છે. ભારે હિમવર્ષા બાદ તેઓ સંપર્કવિહોણા બન્યા હતા. 17 દિવસથી સંપર્ક વિહોણા થયેલા પિતા-પુત્રીના મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જીગ્નેશભાઈ અને પ્રિયાંશી બંનેને દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગનો ભારે શોખ હતો. આ શોખને સંતોષવા તેઓએ નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા-3 તરફ ટ્રેકિંગનું આયોજન કર્યું હતું. ગત 14 ઓક્ટોબરના રોજ તેઓ નેપાળ જવા રવાના થયા હતા અને 21 ઓક્ટોબરના રોજ પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેઓ 31 ઓક્ટોબર સુધીમાં પરત ફરવાના હતા.

 

જીગ્નેશભાઈની પત્ની જાગૃતિબેન સાથે છેલ્લે 21 ઓક્ટોબરના રોજ ફોન પર વાત થઈ હતી. ત્યારે જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે હિમવર્ષાના કારણે અન્નપૂર્ણા-3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે. ત્યાર પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. સતત બે દિવસ સંપર્ક ન થતાં, જાગૃતિબેને તેમણે રોકાણ કરેલી હોટલનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેઓ પરત ન ફર્યા હોવાની માહિતી મળી હતી.

 

આ ઘટના બાદ તાત્કાલિક કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. માંડવીના સાંસદ પ્રભુ વસાવાની ઓફિસ મારફતે વિદેશ મંત્રાલય અને ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ખાતે સંદેશો મોકલ્યો હતો, અને ભારતીય એમ્બેસી, નેપાળ પોલીસ તથા પરિવાર સાથે સતત સંપર્કમાં હતી.

 

જાગૃતિબેને તેમની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમના પતિ અને પુત્રી 23 હજાર ફૂટની ઊંચાઈ પર ફસાયા હોવાનો અંદાજ છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે, આ ટ્રેક પર જવા માટે કોઈ વિશેષ તાલીમ લીધી નહોતી. તેમની ભાવનાત્મક વિનંતી, "ભારત સરકાર પાસે મારી એટલી અપેક્ષા અને વિનંતી છે કે મારી દીકરી અને મારા પતિને ઝડપથી શોધી ઘરે લઈ આવો," દુઃખદ રીતે અધૂરી રહી છે.

 

તાજેતરમાં કરવામાં આવેલી સઘન શોધખોળ દરમિયાન, ભારે હિમવર્ષામાં લાપતા થયેલા બંને પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ અને ભારે હિમવર્ષા જ તેમના સંપર્ક તૂટવા અને કરુણ અંતનું કારણ બન્યા હતા. નેપાળ તંત્ર દ્વારા બંનેના મૃતદેહોને પરત લાવવા અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાએ કડોદ ગામ સહિત સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. 

 પ્રાપ્ત માહિતી અનુસાર, જીજ્ઞેશ પટેલ અને પ્રિયદર્શીની 14 ઓક્ટોબરે કડોદથી રવાના થયા હતા અને સુરત આવ્યા હતા. સુરતથી 19 ઓક્ટોબરે ટ્રેન દ્વારા ગોરખપુર પહોંચ્યા. ત્યાંથી સુનોલી બોર્ડર પાર કરીને કાઠમંડુ અને પછી બેસીસહર થઈને મનાંગ પહોંચ્યા હતા. મનાંગની એક હોટલમાં બે દિવસ રોકાણ કર્યા બાદ, 21 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે તેઓ અન્નપૂર્ણા પર્વત-3 તરફ ટ્રેકિંગ માટે નીકળ્યા હતા. ટ્રેકિંગ પર જતા પહેલા, જીજ્ઞેશભાઈએ તેમના પત્ની જાગૃતિબેન સાથે ફોન પર વાત કરી હતી અને તેમને 10 દિવસમાં પરત ફરવાની જાણ કરી હતી, જેનો અર્થ એ થાય છે કે તેઓ 30 અથવા 31 ઓક્ટોબર સુધીમાં ઘરે પાછા ફરવાના હતા.

(6:14 PM IST)