તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th November 2025
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ : એકતાનગરમાં ભારત પર્વમાં છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા
ભૂપેન્દ્રભાઈ પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા

અમદાવાદ તા.૧૦
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગરમાં લીધી હતી.
તેઓ એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં 10મી એ રાત્રે થનારી છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા છે.
આગામી સમયમાં છત્તીસગઢમાં યોજાનારી રહેલી છત્તીસગઢ ઈન્વેસ્ટર્સ કનેક્ટમાં ગુજરાતના રોકાણકારોને પ્રેરિત કરવા છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી મંગળવારે અમદાવાદમાં તેમની સાથે બેઠકો પણ યોજવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ કાર્યક્રમો પૂર્વે તેઓ મળ્યા હતા અને ગુજરાતે વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વિસ્તૃત જાણકારી માટે ઉદ્યોગ અગ્ર સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક પણ યોજી હતી.
એટલું જ નહીં, ગુજરાતમાં પબ્લિક ડિલિવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તથા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકસાવવામાં આવેલા સીએમ ડેશબોર્ડની ગતિવિધિ અંગેની જાણકારી માટે શ્રી વિષ્ણુ દેવ સાંઈએ સી.એમ. ડેશબોર્ડની પણ મુલાકાત લીધી હતી. તેઓ રિયલ ટાઈમ મોનિટરિંગ અને જન સંવાદ કેન્દ્રના ફીડબેક મિકેનિઝમની કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા. ગુજરાતની આવી પહેલોને છત્તીસગઢમાં શરૂ કરવામાં પણ તેમણે રુચિ દર્શાવી હતી
આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રમ પાંડે, ઇન્ડેક્સ ‘બી’ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કેયુર સંપત તથા સી.એમ. ડેશબોર્ડના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
