તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે ગુજરાતમાં એલર્ટ :અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મહાનગરો અને સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ
જુહાપુરા સહિત અનેક વિસ્તારોમાં પોલીસની ટીમોએ નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું: બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મહત્ત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ :આંતરરાજ્ય સુરક્ષા જાળવવા માટે સરહદી જિલ્લાઓમાં ખાસ તકેદારી

અમદાવાદ :દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાના અનુસંધાનમાં ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરો તેમજ સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ ગણાતા જુહાપુરા સહિત અનેક વિસ્તારોમાં પોલીસની ટીમોએ નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે.
સુરતમાં દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સતર્ક થઈ છે. ડુમસ રોડ પર વાય જંક્શન પાસે પોલીસ અધિકારીઓના મોટા કાફલાએ વાહન ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે હોટલોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ પોલીસ એલર્ટ પર છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મહત્ત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.
રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાત્રિ પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના અપાઈ છે. કોઈપણ વ્યક્તિને બિનવારસી વસ્તુ મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. આંતરરાજ્ય સુરક્ષા જાળવવા માટે સરહદી જિલ્લાઓમાં ખાસ તકેદારી રાખવામાં આવી છે. બનાસકાંઠાની ગુજરાત-રાજસ્થાનને જોડતી ગુંદરી બોર્ડર પર પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે.
રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છ (ભુજ)ની સરહદી વિસ્તારની સુરક્ષા વધારી દેવાઈ છે. ભુજ શહેરમાં મહત્વના પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
