<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

રાજ્‍યની ૧૭૦૫ સ્‍કૂલ-૨૯૫ કોલેજમાં ચાલતા કેરિયર કોર્નર બંધ થશે

વિદ્યાર્થીઓને કેરિયર કોર્નર પ્રવૃત્તિ મારફતે વ્‍યવસાય માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું : નિર્ણયને તાત્‍કાલીક પરત ખેંચવામાં આવે તે માટે રાજ્‍યના મુખ્‍યમંત્રીને રજૂઆત કરવામાં આવી

અમદાવાદ તા.૧૧: રાજ્‍ય સરકાર દ્વારા સ્‍કૂલ અને કોલેજોમાં શરૂ કરવામાં આવેલા કેરિયર કોર્નરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજ્‍યની ૧૭૦૫ સ્‍કૂલો અને ૨૯૫ કોલેજો મળી કુલ ૨ હજાર સંસ્‍થાઓમાં કેરિયર કોર્નર શરૂ કરવામાં આવેલા હતા. જોકે, હવે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી કોર્નર બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્‍યની શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને વ્‍યવસાય માર્ગદર્શન કેરિયર કોર્નર પ્રવૃત્તિ મારફતે પુરૂ પાડવામાં આવતું હતું. જોકે, હવે આ કોર્નર બંધ કરવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ માર્ગદર્શનથી વંચિત રહેશે. જેથી આ નિર્ણય તાત્‍કાલીક પરત લેવામાં આવે તે માટે NSUI ના પુર્વ સંયોજકે મુખ્‍યમંત્રી સમક્ષ માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્‍ય સરકાર દ્વારા શાળાઓ અને કોલેજોમાં કેરિયર કોર્નર વર્ષોથી કાર્યરત કરવામાં આવેલા છે. કેરિયર કોર્નરથી વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં શું કરવું, કયા વિકલ્‍પો ઉપલબ્‍ધ છે, કયા કામમાં કેવી તક છે, કઈ કૌશલ્‍યની જરૂર છે, વિવિધ કોર્સો-અભ્‍યાસક્રમ અંગે યોગ્‍ય કેરિયર માર્ગદર્શન અને રોજગાર માહિતી મળી રહેતી હતી. આમ, શાળા અને કોલેજોમાં ચાલતા કેરિયર કોર્નરથી વિદ્યાર્થીઓને ભવિષ્‍યને લઈને ખુબ જ મદદ મળી રહેતી હતી. જોકે, હવે શ્રમ અને રોજગાર વિભાગે પરિપત્ર કરીને રાજ્‍યની ૧૭૦૫ શાળા અને ૨૯૫ કોલેજોમાં ચાલતા કેરીયર કોર્નરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્‍પ પસંદ કરવાથી વંચિત રહેવાનો વારો આવશે.

રાજ્‍યની શાળા, કોલેજોમાં કારકિર્દી માર્ગદશન વ્‍યવસ્‍થાને ખંભાતી તાળા મારતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા એનએસયુઆઈનાં પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્‍યું હતું કે, કારકિર્દી માર્ગદર્શન યોજનાનું મુખ્‍ય હેતુ ગામડા અને અંતરિયાળ વિસ્‍તારોના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્‍સ ઉપલબ્‍ધ કરાવવાનો હતો. વિદ્યાર્થીઓને અભ્‍યાસ, કૌશલ્‍ય, રોજગાર અંગે માર્ગદર્શન આપવું, શાળા-કોલેજમાં કેરિયર જાગૃતિ ઊભી કરવા માટે આ કેરિયર કોર્નર શરૂ કરવામાં આવ્‍યા હતા. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્‍યની ૧૭૦૫ શાળાઓમાં અને ૨૯૫ કોલેજમાં મળી કુલ ૨ હજાર જેટલા કેરિયર કોર્નર શરૂ કર્યા હતા. જોકે, હવે સરકારનાં એક નિર્ણયથી તાળા લાગી ગયા છે. જેના લીધે વિવિધ કેરિયર વિકલ્‍પોની માહિતી વોકેશનલ કોર્સની માહિતી, ટેક્રિકલ ટ્રેઇનિગ અંગેની માહિતી વગેરેથી ગુજરાતનો યુવાન વંચિત રહેશે. જેથી કેરિયર કોર્નર બંધ કરવાનો નિર્ણય તાત્‍કાલિક પરત ખેચવામાં આવે તેવી મુખ્‍યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે.

(11:20 AM IST)