<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્‍હી બ્‍લાસ્‍ટના પગલે ગાંધીનગર અક્ષરધામ મંદિરને હાઈ સિકયોરીટી પ્રાયોરીટી ગુજરાતમાં સુરક્ષા વધારાઈ

રાજકોટમાં ઈન્‍ડીયા-આફ્રિકાની ‘એ' ટીમો જે હોટલમાં રોકાઈ છે ત્‍યાં પણ બંદોબસ્‍તમાં વધારોઃ અંબાજીમાં પણ ઝીણવટભરી તપાસ

અમદાવાદ, તા.૧૧: દિલ્‍હીમાં થયેલા કાર બ્‍લાસ્‍ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, જેને પગલે પોલીસ હવે એક્‍શનમાં આવી ગઈ છે. આજે ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા તથા અંબાજીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્‍યું છે. સુરતમાં પણ સુરક્ષા વ્‍યવસ્‍થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

કોઈપણ અનિચ્‍છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્‍કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્‍ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું છે.

સુરત રેલવે સ્‍ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટલો અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું છે. આ ચેકિંગમાં હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી કોઈ અજાણી અથવા શંકાસ્‍પદ વ્‍યક્‍તિ શહેરમાં આશરો ન લઈ શકે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્‍યવસ્‍થા અત્‍યંત કડક બનાવવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્‍તોનું સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શક્‍તિ દ્વાર ખાતે સુરક્ષાકર્મીઓ મેટલ-ડિટેક્‍ટરનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

તો બીજી તરફ રાજકોટમાં ઇન્‍ડિયા એ અને આફ્રિકા એની ટીમો જે હોટલમાં રોકાઈ છે તેમની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ દ્વારા માત્ર રેલવે સ્‍ટેશન પૂરતું જ નહીં, પરંતુ એની આસપાસના વિસ્‍તારોને પણ આવરી લેવામાં આવ્‍યા છે.

રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હીમાં થયેલા બ્‍લાસ્‍ટની ઘટના બાદ ગાંધીનગર પોલીસ પણ એક્‍શનમાં આવી ગઇ છે. ગાંધીનગર અક્ષરધામ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્‍યો છે. બ્‍લાસ્‍ટને પગલે અક્ષરધામની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગાંધીનગર પોલીસે અક્ષરધામ સુરક્ષા મુદ્દે સંપર્ક કર્યો હતો. અક્ષરધામને હાઈ સિકયુરિટી પ્રાયોરિટી આપવામાં આવી છે. 

 

(3:49 PM IST)