<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સુરતઃ હીરા દલાલનું રૂપિયા ૧૪ કરોડમાં ઉઠમણું

લેબગ્રોન ડાયમંડનું કામ કરતો દલાલ દિવાળી પહેલાં જ નાણાંની ચુકવણી કરવાના બદલે રવાના

સુરત,તા.૧૨: લેબગ્રોન ડાયમંડમાં હીરાદલાલીનું કામ કરતા હીરાદલાલનું ૧૪ કરોડનું ઉઠમણું કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે દિવાળી પહેલા એટલે કે ધનતેરસના દિવસથી જ હીરાબજારમાંથી હીરાદલાલ ગાયબ થઇ ગયો હતો. મૂળ સૌરાષ્ટ્રનો અને છેલ્‍લા કેટલાય વર્ષોથી હીરાબજારમાં હીરાદલાલી અને તેમાં પણ ખાસ કરીને લેબગ્રોન ડાયમંડમાં જ દલાલીનું કામ કરતા હીરાદલાલે ઉઠમણું કર્યું હોવાનું બહાર આવતા તેની સાથે સંકળાયેલાઓની ચિતામાં વધારો થયો છે, કારણ કે દિવાળી પહેલા તેને લાખ્‍ખો રૂપિયાનો માલ આપવામાં આવ્‍યો હતો. તેમજ દિવાળી પહેલા તમામને નાણાં ચૂકવી દેવામાં આવશે તેવો વાયદો કર્યો હતો. ધનતેરસના દિવસે વેપારીઓને નાણાં ચુકવણી કરવાની વાત કરવામાં આવી હતી. તે દિવસ આવે તે પહેલા જ હીરાદલાલ બજારમાં દેખાતો બંધ થઇ ગયો હતો. તેમજ તેના ઘર સહિતની જગ્‍યાઓ પર તપાસ કરતા ત્‍યાં પણ વેપારીઓને મળી આવ્‍યો નહોતો. દિવાળી બાદ હીરાબજારમાં વેપાર ધીમે ધીમે શરૂ થવા છતાં બજારમાં જોવા નહીં મળતા તેના માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાના મોટા વેપારીઓ સહિતનાઓના ૧૪ કરોડની આસપાસની રકમ ફસાઈ હોવાનું બહાર આવ્‍યું છે. જેથી તેની પાસેથી નાણાં કેવી રીતે વસૂલ કરવા તે સહિતની બાબતોની પણ ચર્ચા વિચારણા કરીને આગામી દિવસોમાં નાણાં વસૂલ કરવામાં આવનાર છે. જોકે દિવાળી પહેલા જ હીરાબજારમાં ધાર્યા પ્રમાણેની માંગ જોવા મળી રહી નહોતી. તેના કારણે રત્‍નકલાકારોને પણ છૂટા કરવા સહિતના મુદ્દે વિરોધ પણ કરવામાં આવ્‍યો હતો. આ કારણોસર હીરાબજારમાં ઉઠમણું દિવાળી પહેલા કે દિવાળી પછી બહાર આવશે તેવી ચર્ચાઓ થતી જ હતી. તેમાં ૧૪ કરોડમાં હીરાદલાલે ઉઠમણું કર્યાનું બહાર આવ્‍યું છે.

(10:20 AM IST)