<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ભારતીય નેશનલ જનતા દળ પક્ષના સ્થાપક સંજય ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ઈન્કમ ટેક્સ ટીમના દરોડા.

IT ટીમે તેમની સેક્ટર-11, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો:ડોક્યુમેન્ટ, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની સઘન ચકાસણી શરૂ

અમદાવાદ :ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. દેશના આવા ટોપ 10 કમાણી કરતા પક્ષમાં ગુજરાતના પાંચ પક્ષનો સમાવેશ થાય છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ રૂપિયા 957 કરોડની આવક સાથે પ્રથમ ક્રમે છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજે બુધવારે 12 નવેમ્બરની વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે

જે પક્ષોને ચૂંટણીમાં ખૂબ જ ઓછા મત મળે છે, તેમને 'રજિસ્ટર્ડ અમાન્ય' પક્ષ કહેવામાં આવે છે. આ પક્ષો ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ હોય છે, પરંતુ ઓછા મતોના કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના આવા પાંચ પક્ષોને કુલ 17 ઉમેદવાર ઊભા રાખવા છતાં માત્ર 22,00 જેટલા મત મળ્યા હતા. ADRના રિપોર્ટ પ્રમાણે, 2019-20 થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક રૂપિયા 2316 કરોડ છે, જ્યારે એક વર્ષની સરેરાશ આવક રૂપિયા 1158 કરોડ છે.

સૌથી વધુ કમાણી કરનાર 'ભારતીય નેશનલ જનતા દળ' ના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગરના નિવાસ સ્થાને બુધવારે વહેલી સવારે IT ના અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. આ સિવાય, IT ટીમે તેમની સેક્ટર-11, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડ્યો હતો.

(1:47 PM IST)