તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
પાલિકા-પંચાયતોની ચૂંટણી એપ્રિલમાં : વચગાળામાં વહીવટદાર
લો દૌર આ ગયા હૈ ફીર સે ચૂનાવ કા, લે થાલ આ રહૈ હૈ નેતા વચન કા... : ૭ ફેબ્રુઆરી સુધી મતદાર યાદીનું સતાવાર કારણ : માર્ચમાં બોર્ડની પરીક્ષા અને વિધાનસભા સત્ર : ચૂંટણી દોઢથી બે માસ મોડી

રાજકોટ, તા., ૧૨ : ગુજરાતમાં તાલુકા-જિલ્લા પંચાયતો, નગરો અને મહાનગરોની ચુંટણી નિયત સમય મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવવાપાત્ર છે. પણ કેટલાક સતાવાર અને બિનસતાવાર કારણો જોતા ચુંટણી પાછી ઠેલાય તેવા સ્પષ્ટ સંકેતો છે. રાજયના લગભગ તમામ જિલ્લાઓને સ્પર્શતી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ એપ્રિલમાં યોજાય તેવા સ્પષ્ટ સંકેત છે.
તાલુકા-જિલ્લા પંચાયતો, નગરો અને ૧પ કોર્પોરેશનોની ચુંટણી હાલ દેખાતા એંધાણ મુજબ પાછી ઠેલાય તો એક થી બે માસ વહીવટદાર શાસન આવે તેવા સંજોગો છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ ગયા વખતે વર્ષ ર૦ર૧ માં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં યોજાયેલ. નવી ચુંટાયેલી પાંખે માર્ચના બીજા અઠવાડીયામાં શાસન સંભાળ્યું હતું. આ વખતે ચુંટણી ૧પ એપ્રિલથી પ મે વચ્ચે યોજાય તેવી શકયતા છે. ચુંટણી પંચે ચુંટણી યોજાવાના સમયગાળા અંગે કોઇ જાહેરાત કરી નથી.
હાલ કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહયો છે. તા. ૭ ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે. રાજય ચુંટણી પંચ ધારે તો જુની મતદાર યાદી મુજબ મતદાન કરી શકે છે. સામાન્ય રીતે રાજય ચુંટણી પંચ કેન્દ્રીય પંચની મતદાર યાદીનો આધાર લ્યે છે.૭ ફેબ્રુઆરી સુધીની આ સતાવાર કારણ છે. ર૬ ફેબ્રુઆરીથી ૧પ માર્ચ સુધી ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. શિક્ષકો તેમાં રોકાયેલા હોય તેમજ શાળાઓના મકાન મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. ઉપરાંત ફેબ્રુઆરી તા.ર૦ આસપાસથી ૩૧ માર્ચ સુધી વિધાનસભાનું સત્ર આવતું હોવાથી ધારાસભ્યો તેમાં વ્યસ્ત હોય છે. આ બધા સંજોગો જોતા ચુંટણી એપ્રિલ ઉતરાર્ધ અથવા મે માસના પ્રારંભે યોજાય તેવા સંકેત છે. હાલ દિવાળી પછી કમોસમી વરસાદથી ખેતી અને રસ્તાઓને થયેલ નુકશાનના કારણે રાજકીય વાતાવરણ શાસક પક્ષને અનુકુળ જણાતું નથી. રાજકીય સમીકરણો ગમે ત્યારે બદલી શકે છે. સ્થાનીક સ્વરાજયની સ઼સથાઓની ચુંટણીઓ સમયસર યોજાય તેવી શકયતા ઓછી અને મોડી યોજાય તેવી શકયતા વધું છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
