<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સુરત RFO સોનલ સોલંકીના પતિની સરેન્ડરની અરજી કોર્ટે ફગાવતા ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ

પતિ નિકુંજ ગોસ્વામીએ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો

સુરત RFO સોનલ સોલંકી પરના ફાયરિંગ કેસમાં શંકાસ્પદ આરોપી કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત RFO સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીએ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટે તેની સરેન્ડર અરજીને નકારી કાઢી હતી. આ તકનો લાભ લઈને સુરત ગ્રામ્ય પોલીસે કોર્ટ પરિસરમાંથી જ નિકુંજ ગોસ્વામીની અટકાયત કરી હતી અને હાલમાં તેની વિધિવત ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક અઠવાડિયા અગાઉ અડાજણ વન વિભાગની ઑફિસમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ નજીક ઝાડ સાથે ભટકાયેલી કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સિટી સ્કેનમાં સોનલ સોલંકીને માથામાં ગોળી વાગી હોવાનું માલૂમ પડ્યું હતુ.

પોલીસની પ્રાથમિક તપાસમાં સોનલ સોલંકી અને તેમના પતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલતી હતી. આ ઘટનાના 3 દિવસ અગાઉ પણ સોનલે કામરેજ પોલીસ મથકમાં પોતાની કારમાં GPS લગાડવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં સોનલ સોલંકીના પતિ RTO ઈન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનું નામ શંકાસ્પદ આરોપી તરીકે હતુ. આ ઘટના બાદ નિકુંજ ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેમણે આજે કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે સરેન્ડર અરજી ફગાવતા નિકુંજ ગોસ્વામીની કોર્ટ પરિસરમાંથી જ અટકાયત કરવામાં આવી છે.

આ ઘટનામાં તેમના પતિનું શંકાસ્પદ આરોપી તરીકે નામ હતું તેમના પતિએ આજે કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કઠોર કોર્ટે તેની સરેન્ડર અરજી ફગાવી કાઢી હતી. જે બાદ પોલીસે તેમની કોર્ટ પરિસરમાંથી અટકાયત કરી છે.

(6:16 PM IST)