<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

રાજ્યમાં શિયાળાની ધીમાપગલે શરૂઆત: દિવસે ગરમી અને રાત્રે ઠંડક: કડકડતી ઠંડી માટે એક સપ્તાહની રાહ જોવી પડશે

18 નવેમ્બર પછી કડકડતી ઠંડીનું જોર ધીમે ધીમે વધશે અને રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ શરૂ થશે

અમદાવાદ :ગુજરાતમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે, જોકે રાજ્યમાં કડકડતી ઠંડી માટે હજી એક સપ્તાહની રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. વર્તમાન આગાહી મુજબ 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાનું છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન રાજ્યના હવામાનમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો બેવડો અનુભવ થશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. હાલમાં દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું છે, જ્યાં 12.13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

    હવામાનમાં થતી આ વધઘટનું મુખ્ય કારણ ઉત્તર-પૂર્વના પવનો છે. આ પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે, પરંતુ આગામી સપ્તાહથી એટલે કે 18 નવેમ્બર પછી કડકડતી ઠંડીનું જોર ધીમે ધીમે વધશે અને રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ શરૂ થશે.

(7:52 PM IST)