તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 13th November 2025
પત્ની શેરીના કૂતરા ઘરમાં લાવતાં કરડયા હોવાથી પતિએ છૂટાછેડા માંગ્યા
એક અત્યંત રસપ્રદ કેસમાં એક પતિએ હાઇકોર્ટમાં છૂટાછેડાનો કેસ કરી પત્ની પર ક્રૂરતાનો આક્ષેપ લગાવ્યો : અમદાવાદ ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી રદ કરતા તેણે હાઇકોર્ટમાં ધા કરી

અમદાવાદ,તા.૧૩: એક અત્યંત રસપ્રદ કેસમાં એક પતિએ હાઇકોર્ટમાં છૂટાછેડાનો કેસ કરી પત્ની પર ક્રૂરતાનો આક્ષેપ લગાવ્યો છે. તેણે એવો વિચિત્ર આક્ષેપ લગાવ્યો છે કે તેની પત્ની શ્વાનપ્રેમી છે અને ઘરમાં શેરીના કૂતરાં લઇ આવી હતી અને આ કૂતરા તેને કરડ્યા હતા. જે એક રીતે પતિ સાથે ક્રૂરતા છે. બીજો આક્ષેપ એવો કર્યો હતો કે પત્નીએ એક આરજે સાથે મળી તેના ચારિત્ર્ય પર શંકા કરતો પ્રેન્ક કરી તેની સાથે ક્રૂરતા કરી હતી. પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જેને રદ કરતાં હવે તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે બંને પક્ષોના વકીલોને પક્ષકારોની વધુ સલાહ લઈને કેસની સુનાવણી એક ડિસેમ્બરે રાખી છે.
અમદાવાદના એક પુરુષે ફેમિલી કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં છૂટાછેડા માટે અપીલ દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ પતિ અને પત્ની ૪૦-૪૧ વર્ષની આસપાસ છે. જો તેમના છૂટાછેડા ગ્રાહ્ય રાખવામાં આવે તો આ ઉંમરે તેઓ બીજા લગ્ન કરી શકે. પતિએ ક્રૂરતાના ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા માંગ્યા છે પરંતુ પત્ની છૂટાછેડા આપવા માગતી નથી.
પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે, જે મહિને ૬૦થી ૬૫ હજાર કમાય છે. જ્યારે પત્ની પણ નોકરિયાત છે. અમદાવાદની ફેમિલી કોર્ટે પતિના છૂટાછેડાની અરજી એ આધાર ઉપર ફગાવી દીધી હતી કે પતિ પોતાની પત્ની સામે ક્રૂરતા પુરવાર કરી શક્યો નથી.
પત્ની શેરીના કૂતરા ઘરે લાવતી હોવાથી પતિને તે કરડ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પૂછ્યું હતું કે શું તમે રસી લીધી હતી. બીજો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પત્નીએ એક રેડિયો જોકી સાથે તેના કામના સ્થળ ઉપર એક પ્રેન્ક કર્યો હતો. જેમાં પતિના લગ્નેતર સંબંધ છે એમ જણાવીને તેના ચારિત્ર્ય ઉપર લાંછન લગાવવામાં આવ્યું હતું. આ પ્રેન્ક માટે તેની પત્નીએ જ એક બનાવટી વાર્તા ઘડી હતી જે મુજબ પતિને એક જેની નામની યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધો હોય છે. તે તેની સાથે લગ્ન કરવા તેની ઉપર દબાણ કરે છે અને પોતાના માતા-પિતા સાથે તેના ઘરે આવવા ધમકી આપે છે. આથી પતિ પોલીસને લઈને ઘરે પહોંચે છે, ત્યારે ખબર પડે છે કે આ એપ્રિલ ફૂલનો એક પ્રેન્ક હતો. પરંતુ આ ઘટનાથી અરજદાર પતિ ખૂબ ગભરાઈ ગયો હતો.
પતિએ એવા આક્ષેપ પણ કર્યા છે કે પત્નીએ તેને ધમકી આપી હતી કે જો પતિ તેને છોડીને જતો રહ્યો તો તેની ઉપર દહેજનો કેસ કરશે. પત્ની મોડી રાત સુધી ઘરની બહાર ફરે છે. એટલું જ નહીં સ્ટ્રીટ ડોગના એક કેસમાં પોલીસે તેને પકડી પણ લીધી હતી. બીજી તરફ પત્નીએ જણાવ્યું હતું કે પતિએ ખોટા અક્ષેપો કરીને છૂટાછેડાની માગ કરી છે. તેના ઉપર કોઈ ક્રૂરતા આચરવામાં આવી નથી.
કોર્ટે પત્નીને પ્રશ્ન કર્યો હતો કે તમે વર્કિગ છો તો પતિ ઉપર શા માટે નિર્ભર રહો છો. પત્ની તરફથી જણાવ્યું હતું કે પહેલા કોર્ટે તેને મહિને પાંચ હજાર રૂપિયા ભરણ પોષણ આપ્યું હતું. બાદમાં તેને વધારીને ૧૫ હજાર રૂપિયા કરવામાં આવ્યું.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
