<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

અમરાઈવાડીમાં જર્જરિત ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી

ફસાયેલા લોકોનું રેસ્ક્યૂઃગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા

અમદાવાદ, તા.૧૩

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે. જ્યાં જર્જરિત ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થતાં નાસભાગ મચી છે. સંત વિનોબાનગરના બ્લોક નંબર ૧૭ની ઘટના છે. ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગેલેરી ધરાશાયી થતાં મકાનમાં રહેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

બ્લોક નંબર ૧૭ની ગેલેરી ધરાશાયી થતાં ૮ મકાનમાં રહેતા કેટલાક લોકોને બહાર કાઢવા માટે જહેમત હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. સ્થાનિક નગરસેવક અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે. બચાવકાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના અપાઈ છે.

આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શી હર્ષદ પટેલે જણાવ્યું કે, અમરાઈવાડીમાં ૪૦ વર્ષ જૂના ક્વાર્ટ્સની ગેલેરી ધરાશાયી થઈ છે. આ ક્વાર્ટ્સ રિ ડેવલોપમેન્ટમાં ગયા છે, છતાં કેટલાક લોકો અહીં વરસાટ કરી રહ્યા છે. આ દરમિયાન આજે ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે.

૧૭ નંબરના બ્લોકનો ગેલેરીનો ભાગ ધડાકા સાથે ધરાશાયી થતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લોકમાં રહેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.

ફાયર અધિકારી અમિત ડોંગરેએ જણાવ્યું કે, બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ૭ લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે. જેમાંથી બે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુલ સાત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

(9:49 PM IST)