તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ખેડૂતોનું દેવુ માફ ન કરાય તો વિધાનસભાને ઘેરાવ કરાશેઃ અમિત ચાવડા
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલ કોંગ્રેસની ‘ખેડુત આક્રોશ યાત્રા'નું દ્વારકામાં સમાપન : ભાજપ સરકારે યોગ્ય સર્વે કર્યા વગર જ રાહત પેકેજ જાહેર કરી દીધુઃ ખેડૂતોની લડાઇ ગાંધીનગર સુધી લઇ જઇશુઃ ડો.તુષાર ચોૈધરી

રાજકોટ તા.૧૪: ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ૬ નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રા આજે દ્વારકા ખાતે પૂર્ણ થઈ, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું.
જનસમારોહને સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે, પરંતુ સરકાર અને મંત્રીઓએ માત્ર ફોટોગ્રાફી કરી છે અને ૧૦ હજાર કરોડના પેકેજના નામે ખેડૂતને પડીકું આપવામાં આવ્યું છે,જે સરકારની ખોટી નીતિ અને નિયતનું પ્રતીક છે.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૪ પહેલાં વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો, ખેડુતોની આવક બમણી કરીશું. પરંતુ ત્રણવાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી ન થઈ, પરંતુ તેમના દેવા જરૂર બમણા થઈ ગયા. વધુમાં ગુજરાતના ૫૦ લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે, જે મુજબ દરેક ખેડૂતના માથે ૫૬ હજારનું દેવું છે. ત્યારે ૫૬ ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને ખેડૂતો સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ કરી દીધા, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા કયારે માફ થશે?
અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોની દેવા માફીની અંગે કોઈ નિર્ણય લીધો નહીં, તો રાજ્યના ૧૮ હજાર ગામડાઓ સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જશે, તમામ લોકોને જાગળત કરશે તેમજ ખેડૂતોના હક્ક અને ન્યાય માટે વિધાનસભા પહોંચશે. ‘‘ખેડૂતોના ન્યાય માટે લાઠી ખાવી પડે કે ગોળી કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલી લાઈનમાં ઉભા રહેશે નવા અંગ્રેજો સામે લડ્યા વિના ન્યાય મળવાનો નથી,''એમ તેમણે કહ્યું.
CLP નેતા ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેના માટે યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. આ પેકેજ પૂરતું નથી. વધુમાં, પેકેજ જાહેર થયા બાદની કેબિનેટ બેઠકના એજન્ડામાં પણ પેકેજની ચર્ચા ન થઈ, એટલે આ પેકેજ ખેડૂતોને કયારે મળશે તે એક ધારાસભ્ય તરીકે મને પણ ખબર નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોના દેવા માફ કરવા માટે નિયત જોઈએ. ૨૦૦૮માં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે ખેડૂતોનું દસ વર્ષનું દેવું માફ કર્યું હતું. વધુમાં ૧૯૮૬, ૧૯૮૭ અને ૧૯૮૮માં સૌરાષ્ટ્રમાં સતત ત્રણ વર્ષ દુકાળ પડ્યો હતો અને તે સમયે અમરસિંહ ચૌધરી CM હતા. ત્યારે તેમણે તાત્કાલિક રાહત કામ શરૂ કર્યું હતું અને એક પણ ખેડૂતની ગાય કે ભેંસ મરવા ન દીધી. આવા કાર્ય કરવા માટે સોની જેવી સરકાર જરૂરી છે અને એ કોંગ્રેસ જ હોઈ શકે.
આ સભામાં CLP નેતા ડો. તુષારભાઈ ચૌધરી, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પાલભાઈ આંબલિયા, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. તેમ સોૈમિલ રાવલની યાદીમાં જણાવ્યુ છે
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
