News of Friday, 14th November 2025
અંધશ્રદ્ધાનો કાળો કેર બીલીમોરામાં વશ ફિલ્મ જેવી હૃદયદ્રાવક ઘટનાઃ સપનામાં આદેશ મળતાં સગી માતાએ ફૂલ જેવા બે માસૂમ બાળકોને ગળેફાંસો દઈ મારી નાખ્યાઃ સસરા માંડ જીવ બચાવીને ભાગ્યા
સસરા પર પણ જીવલેણ હુમલો, પતિ ટાઈફોઈડની સારવાર અર્થે હોસ્પિટલમાં: હત્યારી જનેતાનો પણ આપઘાતનો પ્રયાસ

ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરામાં મંગળવારની મધરાતે એક કળિયુગી માતાએ અંધશ્રદ્ધામાં અંધ બની પોતાના બે માસૂમ બાળકોની હત્યા કરી નાખી. સપનામાં આદેશ મળ્યાનું રટણ કરતી મહિલાએ બાદમાં તેના સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બચીને ભાગી છૂટ્યા હતા. પોલીસે દરવાજો તોડીને આપઘાતનો પ્રયાસ કરી રહેલી મહિલાને બચાવી લઈ તેની ધરપકડ કરી છે. આ સમયે મહિલાનો પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.
વિગતવાર જોઈએ તો ગુજરાતી ફિલ્મ વશની પટકથાને પણ શરમાવે એવી એક રૂવાંડા ઊભા કરી દેતી ઘટના નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકાના દેવસર ગામમાં બની છે. અહીં મહારાજા ઍપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ મંગળવારની મધરાતે કોઈ ભયાનક સપનાથી પ્રેરાઈને પોતાના જ બે ફૂલ જેવા બાળકોનું ગળું દબાવીને તેમની હત્યા કરી દીધી હતી.
મળતી પ્રાથમિક માહિતી અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાજા ઍપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ પટેલના પત્ની શીતલબેન પટેલે (નામ બદલ્યું છે) આ ધ્રુજાવી દેતું કૃત્ય કર્યું હતું. શીતલબેનનો પતિ મહેશભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ટાઈફોઈડની બીમારીને કારણે બીલીમોરાની ઍક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે મંગળવારની રાત્રે શીતલબેન, તેમના બે બાળકો (આશરે ઉંમર ૮ અને ૫ વર્ષ) અને તેમના સસરા ઘરમાં હાજર હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે, તેને મધરાતે એક સપનું આવ્યું હતું જેમાં તેને તારા બાળકોને મારી નાખ એવો આદેશ મળ્યો હતો. આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ ભાન ગુમાવી દીધું હતું અને બાજુમાં સૂઈ રહેલા પોતાના બંને માસૂમ બાળકોનું ઍક પછી એક ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી.
બે બાળકોની હત્યા કર્યા બાદ પણ મહિલાનો ક્રોધ શાંત નહોતો થયો. તે ત્યારબાદ ઘરમાં સૂઈ રહેલા તેના સસરા (મહેશભાઈના પિતા) ને મારવા દોડી હતી અને તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સસરા જાગી જતાં અને પુત્રવધૂનું રૌદ્ર સ્વરૂપ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓઍ તાત્કાલિક પ્રતિકાર કર્યો અને ગમે તેમ કરી ઘરની બહાર ભાગી છૂટ્યા હતા.
બહાર આવીને તેમણ બચાવો, બચાવો ની બૂમાબૂમ કરતાં આજુબાજુના એપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
દરમિયાન, લોકોનું ટોળું ઘરની બહાર એકઠું થતાં હત્યારી મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ તાત્કાલિક બીલીમોરા પોલીસને કરવામાં આવી હતી. પોલીસનો કાફલો તરત જ મહારાજા એપાર્ટમેન્ટ પહોંચી ગયો હતો.
પોલીસે મહિલાને દરવાજો ખોલવા સમજાવી હતી, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે પોલીસને બળપ્રયોગ કરીને દરવાજો તોડવાની ફરજ પડી હતી. જ્યારે પોલીસ ટીમ ઘરમાં પ્રવેશી, ત્યારે તેમણે જોયું કે મહિલા પોતે પણ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને મહિલાને ફાંસો ખાતા અટકાવી દીધી હતી અને તેને તાત્કાલિક કસ્ટડીમાં લીધી હતી.
ઘરની તલાશી લેતા બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે બીલીમોરાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
આ ઘટના અંગે નવસારીના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ એક અત્યંત દુઃખદ ઘટના છે. પ્રાથમિક દ્રષ્ટિએ, મહિલાએ અંધશ્રદ્ધા અથવા કોઈ માનસિક તણાવ હેઠળ આ પગલું ભર્યું હોવાનું જણાય છે. સપનામાં આદેશ મળ્યાની વાત તે કરી રહી છે, જેની અમે ચકાસણી કરી રહ્યા છીએ. મહિલાના પતિ હોસ્પિટલમાં છે અને સસરાના નિવેદનના આધારે અમે ઔપચારિક ફરિયાદ નોંધી છે. મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ ૩૦૨ (હત્યા), ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ૩૦૯ (આપઘાતનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હવે મહિલાની માનસિક સ્થિતિ, પારિવારિક ઇતિહાસ અને ઘટના પાછળના સાચા કારણની તપાસ કરી રહી છે.(૩૮.૩૨)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
