<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

કૃષિ રાહત પેકેજ : વેબસાઇટમાં ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા: કૃષિ વિભાગે કહ્યું - ઓવરલોડ થતાં કામગીરી ખોટવાઇ

તાત્કાલિક એને રીપેર કરી અને ખેડૂતોની કોઈ મુશ્કેલી ન પડે એ પ્રકારની કામગીરી હાલ હાથ ધરવામાં આવી

ગાંધીનગર :કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઉભા પાકનું ધોવાણ થયું છે. માવઠાનો માર સહી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 11 હજાર કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર 22 હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. સહાય મેળવવા માટે આજથી ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે વેબસાઇટમાં ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. જે અંગે ખૂડેતોએ ગ્રામ સેવકનો સંપર્ક કરતા તેમણે સંબંધિત ડોક્યુમેન્ટ્સની ફાઇલ લઇને ખેડૂતોને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

 

ગઇકાલે કૃષિમંત્રી જીતુ વાઘાણી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વાર કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાન માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

આજે 14 નવેમ્બર 2025ના રોજ ખેડૂતો દ્વાર ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વેબસાઇટમાં ફોર્મ ભરવા માટેની કોઇપણ વિગતો ન જણાતા ખેડૂતો મૂઝવણમાં મુકાઇ ગયા હતા. આ સંદર્ભે ખેડૂતો દ્વારા ગ્રામ સેવકોનો સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે, પાક નુકસાનીના ઓનલાઇન ફોર્મની વેબ સાઇટ બંધ હોવાથી આજે માત્ર ડોક્યુમેન્ટ ની ફાઈલ જમાં લેવામાં આવશે

 

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, એક સાથે વધુ પડતી અરજીઓ થવાના કારણે વેબસાઈટમાં ઓવરલોડ થયું છે. અમારા ધ્યાનમાં આવ્યું છે. તાત્કાલિક એને રીપેર કરી અને ખેડૂતોની કોઈ મુશ્કેલી ન પડે એ પ્રકારની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.

(9:42 PM IST)