<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વીજ ઉત્‍પાદનથી માંડી વપરાશ સુધીની માહિતીનો સંગ્રહઃ પોર્ટલ પ્રારંભ કરાવતા ઋષિકેશ પટેલ

ઉર્જા વિભાગનો ક્રાંતિકારી ઝળહળાટ એટલે ઉર્જા સંવર્ધનમ

રાજકોટ, તા. ૧૫: ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે વીજ વિભાગ માટે ક્રાંતિકારી સાબિત થનારા વેબપોર્ટલ ઊર્જા સંવર્ધનમનું લોંચિંગ કર્યું છે. આ વેબપોર્ટલમાં વીજ ઉત્‍પાદનથી માંડીને ગ્રાહકો દ્વારા થતાં વીજ વપરાશ સહિતનો તમામ ડેટા સંગ્રહિત કરી ભવિષ્‍યની યોજનાઓનું અમલીકરણ કરવા માટે ચાવીરૂપ સાબિત થશે.

મંત્રીશ્રીએ વીજ સંવર્ધનમ પોર્ટલનું લોંચિંગ કરતા જણાવ્‍યું કે, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની રાહબરી હેઠળ રાજ્‍ય સરકાર વિકાસ કામોનું લાંબાગાળાનું આયોજન કરે છે અને ભવિષ્‍યના આયોજન માટે ટેક્રોલોજીનો વિનિયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપક્રમમાં વીજ સંવર્ધનમ પોર્ટલ કાર્ય કરશે.

વીજ સંવર્ધનમના ફિચર્સ અંગે માહિતી આપતા શ્રી ઋષિકેશ પટેલે જણાવ્‍યું કે, આ પોર્ટલમાં રાજ્‍યના તમામ સબ સ્‍ટેશન, સબ ડિવિઝનની માહિતી ફિડ કરવામાં આવી છે. કયાં વિસ્‍તારમાં, કયાં સમયમાં કેટલો વીજ વપરાશ થાય છે ? તેનો રિયલ ટાઇમ ડેટા આ પોર્ટલના માધ્‍યમથી ઉપલબ્‍ધ થશે.

આ ઉપરાંત ગ્રાહક સેવાઓ સુદ્ધઢ કરવા માટે તેમના વીજ વપરાશ ઉપરાંત કયારે લાઇન ટ્રીપ થઇ, કેટલા સમય માટે ટ્રીપ થઇ, કેટલા સમય માટે શટ ડાઉન થયું ? એ તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ ઉપરથી મળી રહેશે.

ઉર્જા મંત્રીએ જણાવેલ કે ડેટા ડ્રિવિન ફોરકાસ્‍ટ કરવા માટે ઊર્જા સંવર્ધનમ ચાવીરૂપ સાબિત થશે. કયાં વિસ્‍તારમાં કેટલા વીજ વપરાશ થશે ? તે સંગ્રહિત માહિતીના આધારે કહી શકાશે અને તે મુજબ નવા સબ સ્‍ટેશનો નાંખવા, નવી લાઇનો નાખવા સહિતની કામગીરીનું આયોજન કરી શકાશે. ભવિષ્‍યમાં ઊર્જા ઉત્‍પાદનને પણ આ પોર્ટલ સાથે સાંકળવામાં આવશે. જેથી નવા સ્‍ત્રોત, વિતરણ વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ બનાવી શકાશે

(3:30 PM IST)