<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

NGT અધિકારીના નામે ₹15 કરોડની ખંડણી માંગનારા 2 ભેજાબાજ ઝડપાયા: સયાજીગંજ પોલીસનું સફળ છટકું

પ્રદૂષણના ખોટા આક્ષેપ કરી કંપની બંધ કરાવવાની ધમકી આપીને મોટી રકમ પડાવવાનું ષડયંત્ર પોલીસે નિષ્ફળ બનાવ્યું.

વડોદરાઃ વડોદરાના સાવલી તાલુકાના ટૂંડાવ સ્થિત ઇન્ડો એમાઈન્સ કંપનીના ડિરેક્ટર પાસેથી NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)ના અધિકારી હોવાનો રોફ જમાવીને રૂ. 15 કરોડની તોતિંગ ખંડણી માંગવાના ગંભીર મામલામાં સયાજીગંજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ખાનગી હોટેલમાં છટકું ગોઠવીને બે ભેજાબાજ આરોપીઓ, સુનિલ મહિડા અને જીતસિંહ રાણાને, રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ કંપની પ્રદૂષણ ફેલાવી રહી હોવાના ખોટા આક્ષેપો કરીને કંપની બંધ કરાવી દેવાની ધમકી આપીને ડાયરેક્ટર પર દબાણ કરી રહ્યા હતા.
આ સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કંપનીના ડાયરેક્ટરની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે થયો છે. તેમણે આરોપીઓ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ એકત્રિત કરીને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું. પોલીસે મીટિંગના બહાને ખાનગી હોટેલમાં છટકું ગોઠવ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી સુનિલ મહિડા પોતાની કારમાં લાલ-ભૂરી લાઇટ લગાવી અને બે બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચ્યો, ત્યારે પોલીસની શંકા વધુ મજબૂત બની હતી અને પોલીસે બંનેને તુરંત પકડી પાડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સુનિલ મહિડા રાજકીય પક્ષ સાથે જોડાણ ધરાવે છે. જેને પગલે સયાજીગંજ પોલીસે તેના રાજકીય વર્તુળ અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ માત્ર ધમકી આપીને ખોટી રીતે કરોડોની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઓડિયો ક્લિપમાં આરોપીઓ પૈસા આપવા દબાણ કરતા હોવાનું સ્પષ્ટ થતા જ પોલીસે કાર્યવાહી કરી હતી.
સયાજીગંજ પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમે સમયસર અને અસરકારક કામગીરી કરીને ખંડણીના આ ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર ઘટનાએ વડોદરાના ઉદ્યોગ જગતમાં ભારે ચકચાર મચાવી દીધી છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સિવાય અન્ય બે બાઉન્સરોની પણ ભૂમિકા બહાર આવતા તેમની શોધખોળ શરૂ કરી છે, તેમજ આરોપીઓ અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:26 PM IST)