તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
લસણની આડમાં દારૂની 'મહાખેપ': નવસારી LCBએ રૂ. 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો
દમણથી જૂનાગઢ જતો વિદેશી દારૂનો જથ્થો ને.હા. 48 પર ઝડપાયો; દારૂના બોક્સથી LCB કચેરી છલકાઈ ગઈ.

નવસારીઃ જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરીના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. નવસારી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે નેશનલ હાઇવે નં. 48 પર સફળતાપૂર્વક નાકાબંધી કરીને ટ્રકમાં લસણની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત રૂપિયા 1 કરોડથી પણ વધુ આંકવામાં આવી છે. આ દારૂનો જથ્થો સંઘપ્રદેશ દમણથી ગુજરાતના જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે, મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર ખારેલ ઓવર બ્રિજ નજીક તુલસી હોટલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકી અને ઝીણવટભરી તપાસ હાથ ધરતા લસણના ઢગલા નીચેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ (કિંમત રૂ.1,1,88,720), 10 લાખની કિંમતની ટ્રક અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ.1,11,98,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી.
આ ગુનામાં પોલીસે ટ્રક ચાલક દેવા ઉર્ફે ડી.એન. નારણભાઈ સાવધારીયા (ઉ.વ. 26) ને ઝડપી પાડ્યો છે. જોકે, આ દારૂનો જંગી જથ્થો મંગાવનાર અને ભરાવનાર મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર છે. જેમાં કિશન ઉર્ફે બોડો લખણભાઈ રાડા અને દારૂનો જથ્થો બગવાડા ટોલનાકા સુધી આપી જનાર કિશનના માણસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગણદેવી પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જંગી દારૂની હેરાફેરી દમણથી જૂનાગઢ સુધી થતી હોવાનું સામે આવતા, દારૂના આ રેકેટના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી દારૂના આ કાળા કારોબારના અન્ય મુખ્ય આરોપીઓ પણ જલ્દી પકડાઈ જાય.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
