<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

"વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી, ઈટનો જવાબ પથ્થરથી આપીશ": ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વિરોધીઓ પર પ્રચંડ પ્રહાર

પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નામ લીધા વિના સીધી ટીકા: આવનારી ચૂંટણી પહેલા વાઘોડિયાનું રાજકારણ ગરમાયું

વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા પાંચદેવલા ગામે જિલ્લા પંચાયતની બેઠકને ધ્યાનમાં રાખીને આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકીય ગરમાવો સર્જાયો હતો. અહીં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી વિરોધીઓ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નામ લીધા વિના જ સીધી ટીકા કરતાં કહ્યું કે, "એક ખોટા બહુરુપિયા આવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રમિત કરવાનું કામ કરતા હોય, એવા લોકોનો દુરુપયોગ મારી વાઘોડિયાની ભોળી જનતા ના કરી જાય તે માટે હું આજે આ વાતનો ઉલ્લેખ કરું છું."
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, 2022ની ચૂંટણીમાં જેમણે ડિપોઝિટ ગુમાવી હતી, તેવા લોકો ફરી પાછા આવીને વાઘોડિયાની જનતાની સેવા કરવાની વાત કરે છે. તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "આ વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી." ભારતીય જનતા પાર્ટી સામે ચેલેન્જની વાત કરનારાઓને સીધો સંદેશ આપતા તેમણે કહ્યું કે જો કોઈ આવો પ્રયત્ન કરશે, તો "આ ધર્મેન્દ્રસિંહ ઈટનો જવાબ પથ્થરથી આપશે."
આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "કોઈ બહેરુપિયાની વાતોમાં ન આવતા. આવનારી ચૂંટણીમાં કોઈપણ બહુરુપિયા આવે તો તેને આપણા ગામમાં પ્રવેશવા દેતા નહીં. જૂતોનો હાર પહેરાવી રવાના કરજો." તેમણે કાર્યકર્તાઓને ગભરાયા વિના લડત આપવા પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, "હું નહીં, તમે ધારાસભ્યો છો."
ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આ આક્રમક અને સીધા નિવેદન બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. સ્નેહમિલન કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ ચૂંટણી પહેલા કાર્યકરોને એકજૂટ કરવાનો હતો, પરંતુ ધારાસભ્યના નિવેદનોએ તેને સંપૂર્ણપણે રાજકીય રંગ આપી દીધો છે. આ ઘટના પરથી સ્પષ્ટ જણાય છે કે વાઘોડિયાના રાજકારણમાં આવનારા દિવસોમાં વધુ ગરમાવો જોવા મળશે.

(4:34 PM IST)