<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

એસીબીની સફળ ટ્રેપ: ₹૫૦,૦૦૦ની લાંચ લેતા યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર ઝડપાયા

ખેતરમાં વીજ જોડાણ કરી આપવાના બદલામાં લાંચ માંગી હતી : એસીબીના છટકામાં ઝડપાઇ ગયો

પાટણ: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા આજે, ૧૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, એક સફળ ટ્રેપ કરીને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એક અધિકારીને ₹૫૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
 ગુજરાત  એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા તારીખ ૧૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેપમાં યુજીવીસીએલ, સમી પેટા વિભાગ, જી. પાટણના વર્ગ-૨ અધિકારી, જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષ ભાઈ પટેલ (રહે. મૂળ- સી-૩૬, સાનિધ્ય પાર્ક, વાઘોડિયા રોડ, વડોદરા)ને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ગુનાની ટૂંકી વિગત મુજબ, ફરિયાદીએ પોતાના ખેતરમાં વીજ જોડાણ મેળવવા માટે અરજી કરી હતી. આ વીજ જોડાણ કરી આપવાના બદલામાં આક્ષેપિત આરોપી ચિંતન કુમાર પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા ૫૦,૦૦૦/-ની લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે, એસીબી દ્વારા યુજીવીસીએલ કચેરી, પેટા વિભાગ- સમી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માગણી કરેલ રકમ રૂપિયા ૫૦,૦૦૦/- સ્વીકારી લીધી હતી અને તુરંત જ પકડાઈ ગયો હતો.

એસીબીએ આરોપી પાસેથી સ્વીકારેલી રકમ રૂપિયા ૫૦,૦૦૦/- રિકવર કરી હતી. એસીબીએ આક્ષેપિતને ડિટેઇન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપિંગની કાર્યવાહી શ્રી એમ.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી પોસ્ટે. પાટણ દ્વારા અને તેનું સુપર વિઝન શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું.

(4:48 PM IST)