<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓને અસુવિધાનો સામનો કરવો પડશે

૧૦૦ દિવસ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના ૨ પ્લેટફોર્મઃઆધુનિકીકરણના કામના ભાગરૃપે આગામી ૧૭ નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ ને ૧૦૦ દિવસ માટે બંધ રખાશે

સુરત : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે આગામી દિવસોમાં મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સ્ટેશન પર ચાલી રહેલા આધુનિકીકરણના કામના ભાગરૃપે આગામી ૧૭ નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ ને ૧૦૦ દિવસ માટે બંધ રાખવામાં આવશે. હાલ પણ પ્લેટફોર્મ નંબર ૬ પરથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી બેઠવી પડી રહી છે.

ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ ને આગામી ૧૦૦ દિવસ માટે બંધ રાખવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તેથી હવે આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર ૬ પરથી દોડાવવામાં આવશે. જોકે, મુસાફરોની ચિંતા એ છે કે, પ્લેટફોર્મ નંબર ૬ પર પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ હજુ સુધી પૂર્ણપણે ઉપલબ્ધ નથી.

હાલમાં જ પ્લેટફોર્મ ૬ પરથી મુસાફરી કરી રહેલા યાત્રીઓ આ સુવિધાઓના અભાવે પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા છે.

અસુવિધા અહીં જ પૂરી થતી નથી. સ્ટેશનના આધુનિકીકરણના કામને કારણે સુરત તરફના વિસ્તારમાં પ્લેટફોર્મ ૬ સુધી પહોંચવાનો રસ્તો પણ હજુ વિકસિત થયો નથી. જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલી અને અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સંજોગોમાં, પ્લેટફોર્મ ૪ અને ૫ બંધ થવાથી અને ટ્રેનો સુવિધા વગરના પ્લેટફોર્મ ૬ પરથી દોડવાના કારણે, મોટી સંખ્યામાં મુસાફરોને આગામી ૧૦૦ દિવસ સુધી ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. રેલવે દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને વહેલી તકે પ્લેટફોર્મ ૬ પર જરૃરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ છે.

 

(9:55 PM IST)