News of Monday, 17th November 2025
ગાંધીનગરના પેથાપુરમાં મેગા ડિમોલિશન
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે ૨ ધાર્મિક સ્થળ સહિત ૭૦૦ દબાણો પર બુલડોઝર ફર્ર્યું

ગાંધીનગરઃ અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા પેથાપુર વિસ્તારમાં એક મોટું દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાબરમતી નદીના કિનારે સરકારી જમીન પર ઉભા કરાયેલા ૨ ધાર્મિક સ્થળો સહિત સાતસોથી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક હજાર કરોડ રૂપિયાની કિમતની એક લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી.
પાટનગર ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો વિરુદ્ધ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને માર્ગ-મકાન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીના કાંઠે થયેલા મોટાપાયે દબાણો દૂર કર્યા હતા.
આ મેગા ડિમોલિશન ડ્રાઇવ માટે સાતસોથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે દસથી વધુ જેસીબી મશીનોની મદદથી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા કાચા-પાકા મકાનો, દુકાનો અને અન્ય સ્ટ્રક્ચર સહિત કુલ સાતસોથી વધુ બાંધકામો તોડી પાડ્યા હતા.
અહેવાલો મુજબ, આ કાર્યવાહીમાં પેથાપુરમાં આવેલ આશરે પંદરસો વાર જમીન પર ઉભું કરાયેલું એક ગેરકાયદે ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન દ્વારા તંત્રએ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની બજાર કિમત ધરાવતી કુલ એક લાખ ચોરસ મીટર સરકારી જમીન સફળતાપૂર્વક ખાલી કરાવી હતી. દબાણ હટાવતા પહેલા તંત્ર દ્વારા દબાણકર્તાઓને વારંવાર કાયદેસરની નોટિસો પણ પાઠવવામાં આવી હતી.(૩૮.૧૮)
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
