News of Monday, 17th November 2025
ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની ૧૦૦મી જન્મજયંતિઃ પ્રશાંતિ નિલયમમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત મહાનુભાવોની ઉપસ્થિતિઃ ૧૫ લાખ ભક્તો ઉમટશે
પ્રશાંતિ નિલયમ (પૂટ્ટપર્થી) ખાતે ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૮ થી ૨૩ નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજનઃ આંધ્ર અને તેલંગાણા સરકારે આ અવસરને રાજ્ય ઉત્સવ તરીકે ઘોષિત કર્યો : ૨૧ - ૨૨ નવેમ્બરના શ્રી સત્ય સાંઈ સેવા સંગઠનની વર્લ્ડ કોન્ફરન્સઃ ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશેઃ બાબાના માનવ સેવા એ જ માધવ સેવાના સંદેશને વિશ્વભરમાં ફેલાવવા પર ચિંતન થશે

અમદાવાદ/પ્રશાંતિ નિલયમ (આંધ્રપ્રદેશ): પવિત્રધામ પ્રશાંતિ નિલયમ (પૂટ્ટપર્થી) ખાતે ભગવા શ્રી સત્ય સાંઈ બાબાની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૮ થી ૨૩ નવેમ્બર દરમિયાન ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અવસરમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ૧૫ લાખથી વધુ ભક્તો ઉમટશે તેવી ધારણા છે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારે આ અવસરને રાજ્ય ઉત્સવ તરીકે ઘોષિત કર્યો છે.
શ્રી સત્ય સાંઈ બાબાના ૧૦૦મા જન્મોત્સવને લઈને પ્રશાંતિ નિલયમમાં અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. આ મહા-ઉત્સવમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. આગામી ૧૮ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમોમાં આધ્યાત્મિકતા, સેવા અને વૈશ્વિક એકતાનો સંગમ જોવા મળશે.
આ ઐતિહાસિક ઉજવણીમાં ભારત સરકારના સર્વોચ્ચ પદાધિકારીઓ હાજરી આપીને શ્રી સત્ય સાઈ બાબાને શ્રદ્ધાંજાલિ અર્પણ કરશે.
૧૯ નવેમ્બરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રશાંતિ નિલયમની મુલાકાત લેશે.
૨૦ નવેમ્બરઃ ઓડિશાના રાજ્યપાલશ્રી ડો. કંભમપતિ હરિ બાબુ ઉપસ્થિત રહેશે.
૨૦ નવેમ્બરે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પણ હાજરી આપશે.
૨૧ નવેમ્બરઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે.
૨૨ નવેમ્બર (સવારે): રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી પધારશે.
૨૨ નવેમ્બર (સાંજે): ઉપરાષ્ટ્રપતિજીની મુલાકાત પણ અપેક્ષિત છે.
આ ઉપરાંત, આંધ્રપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, તેમજ તેલંગાણા અને કર્ણાટક જેવા પડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમોમાં સામેલ થશે.
ઉજવણીના ભાગરૂપે, ૨૧ અને ૨૨ નવેમ્બરના રોજ 'શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન'ની વિશ્વ પરિષદ (વર્લ્ડ કોન્ફરન્સ) યોજાશે. આ પરિષદમાં ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેઓ બાબાના માનવ સેવા એ જ માધવ સેવાના સંદેશને વિશ્વભરમાં ફેલાવવા પર ચિતન કરશે.
વિશ્વભરમાંથી આવનારા અંદાજિત ૧૫ લાખ ભક્તો માટે શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ભક્તો માટે ૧૦ દિવસ સુધી નિઃશુલ્ક ભોજન (મહાપ્રસાદ) અને આવાસની સુવિધા સુનિヘતિ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારે આ ૧૦૦મી જન્મજયંતિને રાજ્ય ઉત્સવ તરીકે ઘોષિત કરી છે. બંને રાજ્યોનું સરકારી તંત્ર આયોજનને સુચારુ રૂપે પાર પાડવા માટે સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, પૂટ્ટપર્થી સુધી પહોંચવા માટે વિશેષ બસ અને ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને તબીબી સુવિધાઓ માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
વિશેષ કાર્યક્રમોઃ મુખ્ય ઉજવણી ૨૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ થશે. આ છ દિવસીય મહોત્સવ દરમિયાન દૈનિક પૂજા, વિશ્વ કલ્યાણ અર્થે મહાયજ્ઞ, ભવ્ય રથોત્સવ, નારાયણ સેવા (વિશાળ ભંડારા) અને વિશ્વ વિખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
