News of Monday, 17th November 2025
પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની કરૃણ હત્યા
કુટુંબકલહ એક કરૃણ બનાવમાં પરિવર્તિત થયો :લાંબા સમયના મતભેદો અને શંકાસ્પદ સંબંધોના કારણે થયેલી બબાલ દરમિયાન પતિના મિત્રની હત્યા થયા બાદ સમગ્ર વિસ્તાર સ્તબ્ધ બની ગયો છે

સુરત, તા.૧૭
રાંદેર વિસ્તારમાં ૧૬મી નવેમ્બરની મોડી સાંજે બનેલ કુટુંબકલહ એક કરૃણ બનાવમાં પરિવર્તિત થયો હતો. દિનેશ રાઠોડ અને તેની પત્ની પૂજા રાઠોડ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના મતભેદો અને શંકાસ્પદ સંબંધોના કારણે થયેલી બબાલ દરમિયાન પતિના મિત્રની હત્યા થયા બાદ સમગ્ર વિસ્તાર સ્તબ્ધ બની ગયો છે. રાંદેર પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને ગણતરીના કલાકોમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરતાં મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
દિનેશ રાઠોડ અને પત્ની પૂજા રાઠોડ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી સતત ઝઘડા ચાલી રહ્યા હતા. પત્નીને શંકા હતી કે દિનેશનું અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ છે. આ કારણે પૂજા તેના પિયરમાં રાંદેરના શારદાનગર વિસ્તારમાં પોતાના ભાઈના ઘરે રહેવા આવી હતી, જ્યારે દિનેશ સિંગણપોરમાંથી પોતાના ત્રણ બાળકોને મળવા સમયાંતરે ત્યાં આવતો રહેતો.
રવિવારે મોડી સાંજે દિનેશ તેના મિત્ર અજય રાઠોડ સાથે પત્નીને મળવા શારદાનગર આવ્યો હતો. ઘરઆંગણે પતિ-પત્ની વચ્ચે ફરી ઉગ્ર વાદવિવાદ થયો અને બબાલ ચરમસીમાએ પહોંચી હતી. ઝઘડો અટકાવવા વચ્ચે પડેલા અજય રાઠોડ પર મહિલાનો ભાઈ અને પડોશીઓ મચ્છી કાપવાના ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યા હતા.
આ હુમલામાં અજય રાઠોડને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળ નજીક જ મોત નીપજ્યું હતું. જ્યારે દિનેશ રાઠોડને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના મકાનમાલિક તરફથી ફરિયાદ મળ્યા પછી રાંદેર પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો હતો. ડીસીપી લખધીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સ્થળેથી પુરાવા એકત્રિત કરી અને પીછો કરતા આક્ષેપિત પૂજા રાઠોડ, તેના ભાઈ તેમજ પડોશી સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિનેશના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની શંકાએ પૂજાના મનમાં નારાજગી અને અવિશ્વાસ ઊંડો બેઠો હતો, જે આ હત્યાકાંડનું મુખ્ય કારણ ગણાય છે.રાંદેર પોલીસ તમામ આરોપીઓના નિવેદનો, હથિયારો તથા ઘટનાક્રમના પૂરતા પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસમાં લાગી ગઈ છે. મૃતક અજય રાઠોડના પરિવારજનોને ન્યાય મળે તેની દિશામાં પણ પોલીસ જરૃરી કાર્યવાહી કરી રહી છે. રાંદેર વિસ્તારમાં બનેલ આ દંપતી વચ્ચેના ઝઘડામાં નિર્દોષ યુવકનું મોત સમગ્ર શહેર માટે ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ હવે સમગ્ર ઘટના પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા અને હુમલા અંગે વધુ તપાસ કરી રહી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
