તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 18th November 2025
પગાર નહીં ઉપાડનારા સરકારી કર્મચારીઓ પર આઈટીની નજર
આવક બતાવે નહીં, પગાર ઉપાડે નહીં તો ઘરખર્ચ કેવી રીતે કરે છે ? : રિટર્નમાં પગાર સિવાયની આવક નહીં દર્શાવતા હોય તો નોટિસ મળશે

અમદાવાદ તા.૧૮: સરકારી કર્મચારીઓને મળતા પગાર ઉપાડે છે કે નહીં અથવા તો યુપીઆઇના માધ્યમથી કોઇને સમગ્ર મહિના દરમિયાન ચુકવણી કરે છે કે નહીં તે સહિતની વિગતો હાલ તો ઈન્કમટેક્સ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમના રિટર્નની અને બેંક ખાતાઓની વિગતોના આધારે તપાસ કર્યા બાદ નોટિસ ફટકારાશે.
ઇન્કમટેક્સ વિભાગમાં પાનકાર્ડની સાથે આધારકાર્ડ લિક કરવાના કારણે કરદાતાના બેંકની વિગતો પણ ઇન્કમટેક્સ વિભાગને સરળતાથી મળી રહેતી હોય છે. જોકે તેમાં હવે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જે પણ કર્મચારીઓ પગાર મેળવતા હોય પરંતુ પાંચથી છ મહિના અને તેના કરતા પણ વધુ સમય સુધી પોતાના ખાતામાંથી એક પણ રૂપિયાનો વ્યવહાર કરતા નહીં હોય તેવા કર્મચારીઓના રિટર્નની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલાક સરકારી કર્મચારીઓ આઈટી રિટર્ન ભરે ત્યારે પગારની આવક બતાવતા હોય છે. જ્યારે તે સિવાયની ભાડાંની કે અન્ય આવક બતાવતા નથી. તેમજ તેઓને મળતો પગાર પર ઉપાડતા નહીં હોવાના કારણે હવે આઈટી વિભાગ કાર્યવાહી કરવાની છે, કારણ કે રિટર્નમાં પગાર સિવાયની આવક બતાવી નહીં હોય અને પગાર પણ ઉપાડતા નહીં હોય તેવા કિસ્સામાં પોતાનો ઘર ખર્ચ કેવી રીતે કરે છે તે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે. તેથી હાલ તો ઈન્કમટેક્સ વિભાગે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ કર્યા બાદ નોટિસ ફટકારશે.
કર્મચારી અને તેના સગાંની મિલકત પણ તપાસાથે
સરકારી કર્મચારીઓને પગાર ઉપરાંત ભ્રષ્ટાચાર કરીને પોતાના ભાઇ-બહેન, પુત્ર, પુત્રી કે પત્નીના નામે મિલકત ખરીદી લે છે. આ મિલકત માટે થતા દસ્તાવેજની રકમ અને બજાર કિમતમાં ભારે તફાવત હોય છે. આ રકમ કેવી રીતે એકત્ર કરી તે મુદ્દે પણ આઇટી દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. જેથી સરકારી કર્મચારીઓના રિટર્નના આધારે આગામી દિવસોમાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.(૩૮.૧૨)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
