<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પીએમ કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૧મો હપ્તો રિલીઝ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ:૨૧માં હપ્તા હેઠળ ગુજરાતના ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ. ૯૮૬ કરોડથી વધુની સહાય: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી:કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પણ રહેશે વિશેષ ઉપસ્થિતિ:વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા. ૧૯ નવેમ્બરના રોજ તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો ૨૧મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
    આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના ૨૧માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૦૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૯૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
   આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિઅતરણ કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૦ હપ્તાના માધ્યમથી કુલ ૩,૯૧,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ ૨૦ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૧,૦૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે

(8:30 PM IST)