<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સાબરકાંઠામાં શિંગોડાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં : ભારે ખર્ચ છતાં વળતર શૂન્ય :સરકાર પાસે સહાયની માંગ

ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ ન મળતા લાખો રૂપિયાનો ઉત્પાદન ખર્ચ માથે પડ્યો અને વળતર લગભગ શૂન્ય થઈ ગયું

સાબરકાંઠા જિલ્લો શિંગોડા (પાણીફળ)ની ખેતી માટે પ્રખ્યાત છે, પરંતુ આ વર્ષે અહીંના શિંગોડા પકવતા ખેડૂતો માટે પરિસ્થિતિ અત્યંત કડવી બની છે. ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ ન મળતા લાખો રૂપિયાનો ઉત્પાદન ખર્ચ માથે પડ્યો છે અને વળતર લગભગ શૂન્ય થઈ ગયું છે.

આ વર્ષે જિલ્લામાં શિંગોડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે, શિંગોડાની ખેતી સરળ નથી. ખેડૂતોએ તળાવના પાણીમાં જીવનું જોખમ વહોરીને આ ખેતી કરી છે અને વીઘા દીઠ ₹80,000 થી ₹1 લાખ સુધીનો જંગી ખર્ચ કર્યો છે. ખેડૂતોને આશા હતી કે આ મહેનતનું તેમને સારું વળતર મળશે, પરંતુ બજારભાવ નીચા રહેતા અને ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા, હજારો ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકારે આ પરિસ્થિતિમાં તેમની વહારે આવવું જોઈએ. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે અન્ય પાકોની જેમ શિંગોડાના પાકને પણ નાણાકીય સહાય ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોએ ખેતી માટે જરૂરી સાધનો અને ખર્ચ માટે સબસિડીની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. તેમજ તળાવમાં જોખમી ખેતી માટે જરૂરી સલામતીના સાધનો માટે પણ સહાય ચૂકવવાની માંગ કરી છે.

જો સરકાર તાત્કાલિક ખેડૂતોના હિતમાં પગલાં નહીં લે તો, આ મીઠું ફળ (શિંગોડા) પકવતા ખેડૂતો માટે ખેતી એક કડવાશ બની રહેશે અને તેઓ આ મોંઘી ખેતી છોડી દેવા મજબૂર થઈ શકે છે. ખેડૂતોની નજર હવે સરકાર તરફ મંડાયેલી છે કે તેમના હિતમાં ક્યારે કોઈ નિર્ણય લેવામાં આવે છે.

(11:25 PM IST)