તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ટમેટાંના ભાવમાં ૧૦૦ ટકાનો વધારોઃ રીંગણા, કારેલા પણ મોંઘાદાટ
વરસાદે શાકભાજી પાણી ફેરવી દીધું: ૧૦ દિવસમાં ભાવમાં ભડકો : છૂટક બજારમાં મોટાભાગની શાકભાજી રૂ.૩૦ના અઢીસો ગ્રામ મળતા દેકારો

અમદાવાદ,તા.૧૯: અમદાવાદમાં પાછલા ૧૦ દિવસમાં શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટામેટાં, રિગણ, કારેલા, કોથમીર, ફૂલાવર, કોબી સહિતના લીલા શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જેનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મુશ્કેલી સર્જાઈ છે. શહેરના હોલસેલ માર્કેટથી લઇને છૂટક બજારો સુધી, બધે જ શાકભાજીની કિમતો આસમાને પહોંચી ગઇ છે. ૧૦ દિવસ પહેલા હોલસેલ માર્કેટમાં ૧૫-૨૦ રૂપિયે પ્રતિ કિલો મળતા ટામેટા હવે વધીને સીધા જ ૪૦-૫૦ રૂપિયે પ્રતિ કિલો મળી રહ્યા છે. એટલે કે ટામેટાના ભાવમાં સીધો જ ૧૦૦% થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. છૂટક બજારમાં ટામેટાં જે તે વિસ્તાર પ્રમાણે ૮૦થી ૧૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે !
હાલ અમદાવાદમાં મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાંથી ટામેટાંની આવક છે. સ્થાનિક આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ટામેટાંના ભાવ એકાએક ઊંચકાવાના કારણોમાં વેપારીઓ જણાવે છે કે, વરસાદથી નુકસાની થઈ છે. આસપાસના જિલ્લાઓમાંથી મોટાપાયે આવકો ઘટી ગઇ છે. તેના કારણે આ સ્થિતિ હાલ નિર્માણ પામી છે. અમદાવાદના શાકભાજી માર્કેટમાં હાલ મોંઘવારીનો માર ચાલી રહ્યો છે. ટામેટાંથી લઈને તમામ લીલા શાકભાજી સુધી દરેક વસ્તુ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરી રહી છે. આગામી સપ્તાહમાં આવક વધે તો રાહત મળી શકે તેમ છે. પરંતુ હાલ શાકભાજી બજારમાં ભાવની આગ યથાવત્ છે
અમદાવાદમાં છૂટક બજારમાં કયા શાકભાજીના ભાવ વધ્યા ?
શાકભાજી કિલોનો ભાવ
ટામેટાં ૮૦ થી ૧૦૦
રીંગણ ૧૨૦ થી ૧૩૦
મૂળા ૪૦થી ૫૦
કારેલા ૮૦ થી ૯૦
કોથમીર ૧૦૦ થી ૧૨૦
દૂધી ૧૧૦ થી ૧૨૦
ફલાવર ૧૦૦ થી ૧૨૦
ભીંડા ૯૦ થી ૧૨૦
મરચા ૪૦ થી ૬૦
(નોંધઃ શહેરમાં વિસ્તાર અને માગ, તેમજ ગુણવત્તા પ્રમાણે અલગ-અલગ ભાવ લેવાય છે)(૪૦.૧૪)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
