<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ભાવનગરમાં ટ્રિપલ મર્ડરમાં સુરતમાં ઘેરા પડઘા :રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ : આરોપીને ફાંસીની સજાની માંગણી

કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડી ખાતેથી કેન્ડલ માર્ચ:શૈલેષ ખાંભલાને ફાંસી આપોના બેનરસાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા: લોકોએ બંને બાળકો અને મૃતક બહેનની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી

ભાવનગરમાં ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની, પુત્રી અને પુત્રની હત્યા કરી હતી અને બાદમાં ખાડો ખોદીને દાટી દીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો ત્યારે સુરતમાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. કેન્ડલ માર્ચમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપોના બેનર સાથે લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.

સુરતમાં રબારી સમાજ દ્વારા કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડી ખાતેથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. લોકોએ બંને બાળકો અને મૃતક બહેનની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ આરોપી સામે તમામ પુરાવા એકત્ર કરીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ કેન્ડલમાર્ચમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સમાજના અગ્રણી ઉકાભાઇ ખંભાળિયાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે, અમારે સમાજની અંદર શરમથી માથું નીચું રાખીને ચાલવું પડે છે એવી ઘટના બની છે, સમાજ તો ક્યારેય માફ કરવાનો નથી, અમદાવાદમાં જે પ્રકારે સાયકોનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું તે જ પ્રકારે આ ઘટનામાં કરે અને આ ઘટનામાં જે દોષિત છે તેની સામે સમગ્ર પુરાવા એકત્ર કરીને આવી ને આવી સજા આપે એવી રબારી સમાજની માંગ છે.

અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ વ્યક્તિ રહી ન જાય એવી અમારા સૌની માંગણી છે, સુરતમાં સમગ્ર સમાજે ગોતવા માટે તનતોડ મહેનત કરી હતી, સમાજ એક તાંતણે થઈને કે ભાઈ અહીં છે, અહીં છે, 10 દિવસ સુધી આખા સમાજને ગુમરાહ કર્યા છે એટલે આને સમાજ કોઈ દિવસ માફ ન કરી શકે.

આજે વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અને અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને વડવાળા સર્કલ સુધી જઈને બાળકો અને બહેનની દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી, રડતી આંખે જણાવ્યું હતું કે આ HM સાહેબના ગઢની અંદર ઘટના બની છે, તો HM જલ્દી આનો નિર્ણય લઈને આનો ફાસ્ટટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે.

ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘરકંકાસમાં કરી હતી. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા. આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:45 PM IST)