<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

વિરમગામ CDPO કચેરી ખાતે બાલિકા પંચાયતની સરપંચ-ઉપસરપંચ દીકરીઓ માટે તાલીમ યોજાઈ

બાલિકાઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યના વિકાસ હેતુ સંકલ્પ-SHE ટીમ દ્વારા માર્ગદર્શન અપાયું : 'બાલિકા પંચાયત' સશક્તિકરણ તાલીમમાં બાળલગ્ન પ્રતિબંધ અને શિક્ષણના મુદ્દાઓ પર ભાર મૂકાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના ટીમ અને વિરમગામ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિરમગામ CDPO કચેરી ખાતે બાલિકા પંચાયત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સંકલ્પ હબના જેન્ડર સ્પેશિયલિસ્ટ જીતેશ સોલંકી અને સ્પેશિયલિસ્ટ ઇન ફાઇનાન્સ લિટ્રેસી હેમલ બારોટ દ્વારા વિરમગામ તાલુકાની બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને બાલિકા પંચાયતના કાર્યો, રચના અંગે, તેમજ લોકશાહી પદ્ધતિ, તેમના હક્કો અને જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન બાળલગ્ન પ્રતિબંધ, શિક્ષણનું મહત્વ, સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, અને ગામના વિકાસમાં બાલિકાઓની સક્રિય ભૂમિકા જેવા અગત્યના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. બાલિકાઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ કૌશલ્ય અને નિર્ણય લેવાની શક્તિ વિકસાવવાના ઉદ્દેશ્યથી તેમને બાલિકા પંચાયતની બેઠકનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, વિરમગામ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીનો સ્ટાફ, તેમજ મોટી સંખ્યામાં બાલિકાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ પ્રકારની તાલીમ બાલિકાઓને સશક્ત બનાવવામાં મહત્વની સાબિત થાય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સમાપન પર બાલિકાઓને તેમના અભ્યાસના હેતુ અર્થે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(6:13 PM IST)