<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

સરસવણી ગામમાંથી ૧૨ ફુટના મહાકાય મગરનું રેસ્ક્યૂ

મગર સુરક્ષિ પકડાતા, ગામ લોકોનો ભય દૂર થયોઃઘટનાની જાણ મળતા જ સંસ્થાએ પાદરા વન વિભાગને માહિતી આપીને પોતાની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલી હતી

વડોદરા : ગુજરાતની લિમ્પોપો એવી વિશ્વામિત્રી નદી છે, જેમાં મગરની વસ્તી જોવા મળે છે. આવામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસવણી ગામમાં ૧૨ ફૂટનો મહાકાય મગર દેખાયો હતો. જે કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આ રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર દેખાતા અફરાતફરી સર્જાઈ હતી.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા સરસવણી ગામે પાણીની ટાંકી નજીક માલધારી સમાજના ઘરો આવેલા છે. આ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે લગભગ ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો, જેના કારણે ગામમાં દહેશત ફેલાઈ હતી. જે બાદ લોકો દ્વારા આ અંગે પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરવામાં આવી હતી.

ગામના લોકોએ તરત જ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર રોકીભાઈને જાણ કરી હતી. ઘટનાની જાણ મળતા જ સંસ્થાએ પાદરા વન વિભાગને માહિતી આપીને પોતાની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલી હતી.પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમે મહાકાય મગરને પૂરતી તકેદારી અને કુશળતાથી સહી–સલામત પકડી લીધો હતો. જે બાદ મગરને પાદરા વન વિભાગને સુરક્ષિત રીતે સુપ્રત કરવામાં આવ્યો છે. મગર સુરક્ષિત પકડાતા, ગામ લોકોનો ભય દૂર થયો હતો.

 

(10:33 PM IST)