હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્કૂલવાનમાં બેસતી સગીરાને એકીટશે જોવાને ‘છેડતી'નો ગુનો ગણી શકાય નહીં
IPCની ધારા ૩૫૪(C) અને પોક્સો હેઠળ આરોપીને નિર્દોષ છોડવાના હુકમને બહાલ રાખતો હાઇકોર્ટનો ‘વોયરિઝમ' પરનો સિમાચિホ ચુકાદો : વડોદરાની ટ્રાયલ કોર્ટે આ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતાં તેની સામે થયેલી અપીલ રદ કરતાં હાઇકોર્ટના જાસ્ટિસ એસ.વી. પિન્ટોએ ઉક્ત ચુકાદો આપ્યો છે : ‘વોયરિઝમ'નો ગુનો ત્યારે જ બને જ્યારે પીડિતા કોઇ અંગત કે ખાનગી જગ્યા જેમ કે બાથરૂમ, બેડરૂમ અથવા ચેન્જિંગ રૂમ વગેરેમાં હોય અને કોઇ તેને જાતિય સંતોષ માટે એકીટશે જોઇ રહ્યો હોય અથવા રેકોર્ડ કરી રહ્યો હોય

અમદાવાદ ,તા.૨૦: સ્કૂલવાનમાં બેસવા જતી કોઇ સગીરાને એકીટશે જોઇ રહેવાનું કૃત્ય એની નિજતાનું હનન કે પછી છેડતી અથવા તો જાતિય સંતોષ માટે તાકઝાંખ (વોયરિઝમ)નો ગુનો ગણી શકાય નહીં એવો મહત્ત્વપૂર્ણ અને સિમાચિહ્ન રૂપ ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. વડોદરાની ટ્રાયલ કોર્ટે આ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતાં તેની સામે થયેલી અપીલ રદ કરતાં હાઇકોર્ટના જાસ્ટિસ એસ.વી. પિન્ટોએ ઉક્ત ચુકાદો આપ્યો છે અને ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કોઇ ખામી નહીં હોવાનું ઠરાવ્યું છે. સાથે જ આરોપીને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો છે.
આ ઘટના વડોદરાના વૃન્દાવન બંગલોઝ ડભોઇ વાઘોડિયા રિગ રોડની છે. જેમાં આરોપી ઉપર એવો આક્ષેપ લગાવાયો હતો કે ઘટના સમયે ફરિયાદીની દીકરી ૧૫ વર્ષની હતી. તે જ્યારે સવારે સ્કૂલ જવા વાનમાં બેસવા જતી ત્યારે આરોપી સામેના મકાનમાંથી તેને એકીટશે ખરાબ નજરે જોઇ રહેતો હતો. તેથી ફરિયાદી માતાએ આરોપીને જઇને પૂછ્યું હતું કે તું શા માટે મારી દીકરી સામે જોયા કરે છે. તે સમયે આરોપી હસવા લાગ્યો હતો. ફરિયાદીના આક્ષેપો મુજબ આરોપી ત્રણેક મહિનાથી તેની દીકરીની આ રીતે છેડતી કરતો હતો. જેથી દીકરી અને કુટુંબના તમામ સભ્યો ટેન્શનમાં રહેતા હતા. આ ફરિયાદ બાદ તપાસ અને ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ત્યારબાદ કેસની ટ્રાયલ ચાલી જતાં વડોદરાની કોર્ટે ફરિયાદી પક્ષના પુરાવા અને વિરોધાભાસી નિવેદનો તથા આરોપી સામેની ફરિયાદ કાઉન્ટર બ્લાસ્ટના ભોગે થઇ હોવાનું નોંધી આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.
આ અપીલ હાઇકોર્ટના જાસ્ટિસ એસ.વી. પિન્ટોએ રદબાતલ કરી હતી અને છેડતી તથા વોયરિઝમ (જાતિય સંતોષ માટે કોઇને એકીટશે જોઇ રહેવાના ગુનાની જોગવાઇની) ઝીણવટભરી છણાવટ કરી આપી હતી. હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે,‘આ કેસની હકીકતને ધ્યાનમાં લઇએ તો એવો આક્ષેપ લગાવાયો છે કે સગીરા સ્કૂલ વાનમાં બેસવા જતી ત્યારે આરોપી તેને એકીટશે જોઇ રહેતો હતો. જોકે સ્કૂલ વાનમાં બેસવા માટે સગીરા એક જાહેર સ્થળે આવતી હતી. તેથી એ કૃત્ય અંગત, ગોપનીય કે ખાનગી નહીં પરતું જાહેર કૃત્ય ગણાય. આ સમયે પીડિતા બાથરૂમ, બેડરૂમ કે ચેન્જિંગ રૂમ જેવા નિતાંત અંગત કે ખાનગી સ્થળે નહોતી. તે કોઇ અત્યંત ખાનગી હરકત કરતી હતી એવું પણ નથી. આવા સંજોગોમાં કાયદાની જોગવાઇ કહે છે કે ‘વોયરિઝમ'નો ગુનો ત્યારે જ બને જ્યારે પીડિતા કોઇ અંગત કે ખાનગી જગ્યા જેમ કે બાથરૂમ, બેડરૂમ અથવા ચેન્જિંગ રૂમ વગેરેમાં હોય અને કોઇ તેને જાતિય સંતોષ માટે એકીટશે જોઇ રહ્યો હોય અથવા રેકોર્ડ કરી રહ્યો હોય. કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ વોયરિઝમના ગુનો પુરવાર કરવા જાતીય સંતોષ માટે પીડિતાને જોવાનો અથવા એને રેકોર્ડ કરવાનો ઈરાદો અથવા કૃત્ય જરૂરી છે. આવા ઈરાદા વિના ક્ષણિક નજરે જોવાને વોયરિઝમ ગણી શકાય નહીં.'
હાઇકોર્ટે વધુમાં એવા તારણો પણ રજૂ કર્યા છે કે,‘પ્રસ્તુત કિસ્સામાં આરોપી દ્વારા સ્કૂલ વાનમાં બેસવા જઈ રહેલી પીડિતાને જોવું એ IPC ની કલમ ૩૫૪(C) હેઠળ વોયરિઝમ કે છેડતી ગણી શકાય નહીં, કારણ કે તે ખાનગી કૃત્યના આવશ્યક ઘટક અને નિજતાની વાજબી અપેક્ષાને સંતોષવામાં નિષ્ફળ જાય છે.' આ ઉપરાંત હાઇકોર્ટે પોક્સો એક્ટની કલમ ૧૧(iv) હેઠળના અંગેની સ્પષ્ટતા કરતાં નોંધ્યું હતું કે,‘જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર અથવા સતત સગીર કે સગીરાનો પીછો કરે અથવા તેને ગંદી નજરે જોયા કરે અથવા તો તેનો સંપર્ક કરે ત્યારે તેને જાતીય સતામણીનો ગુનો માનવામાં આવે છે. આ કેસમાં એવા કોઈ પુરાવા નથી કે આરોપીનો કોઈ જાતીય સંતોષનો ઈરાદો હતો. અથવા તો તે પીડિતાનો પીછો કરતો હતો અથવા તેનો કોઇ પણ રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હતો. આ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટના ચુકાદાની ચકાસણી કરીએ તો તે આરોપીને નિર્દોષ જાહેર કરવાના હુકમમાં કોઈ ખામી અથવા ગેરકાયદેસરતા જણાતી નથી. આરોપીને આરોપોમાંથી મુક્ત કરવાનો નિર્ણય વાજબી, ન્યાયી અને યોગ્ય છે.'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
