હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવસારી મહાનગર પાલિકાએ પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે ગ્રાહકોને કાપડની થેલી મળે એ પ્રકારે ATM જેવું વેન્ડિંગ મશીન મુકી પ્લાસ્ટિક મુક્ત નવસારીના અભિયાનને વેગ આપ્યો
મશીનમાં 10 રૂપિયાનો કોઇન નાંખતા જ અંદાજે 5 કિલો શાકભાજી રહી શકે એવી મજબૂત કાપડની થેલી નીકળે છે, 10 રૂપિયાનો કોઇન ન હોય તો UPI પેમેન્ટ દ્વારા પણ કાપડની થેલી મેળવી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી

નવસારી તા.૨૦
નવસારી મહાનગર પાલિકાએ પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે કાપડની થેલીને નાગરિકો અપનાવે એવા પ્રયાસોના ભાગ રૂપે નવસારીની મુખ્ય શાકભાજી માર્કેટમાં 10 રૂપિયા નાંખતા જ ગ્રાહકોને કાપડની થેલી મળે એ પ્રકારે ATM જેવું વેન્ડિંગ મશીન મુકી પ્લાસ્ટિક મુક્ત નવસારીના અભિયાનને વેગ આપ્યો છે.
ભારત સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેની અમલવારી કરાવવા જતા નવસારી મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટ તેમજ શહેરની અન્ય દુકાનોમાં વેપારીઓ સાથે ઘર્ષણની સમસ્યા ઉભી થાય છે. ઘણીવાર વેપારીઓને દંડ પણ કરવામાં આવતો હોવાથી બજારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મળતી બંધ થઈ છે. ત્યારે શહેરીજનો પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળે અને એમને પણ સરળતા રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના શાકભાજી માર્કેટ અને મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં ATM જેવા કાપડની થેલીના વેન્ડીંગ મશીનો મૂકવામાં આવ્યા છે. જે મશીનમાં 10 રૂપિયાનો કોઇન નાંખતા જ અંદાજે 5 કિલો શાકભાજી રહી શકે એવી મજબૂત કાપડની થેલી નીકળે છે. કદાચ નાગરિક પાસે 10 રૂપિયાનો કોઇન ન હોય, તો UPI પેમેન્ટ દ્વારા પણ કાપડની થેલી મેળવી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાનગર પાલિકાની આ પહેલેથી શાકભાજી માર્કેટમાં આવતા ગ્રાહકોમાં ખુશી છે, ખાસ કરીને મહિલાઓએ કાપડની થેલીની પહેલને આવકારી છે.
નવસારી મહાનગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા પ્રયાસો થયા છે. જેમાં જાગૃતિ અભિયાન સાથે બજારોમાં અચાનક ચેકીંગ હાથ ધરી, જે વેપારીને ત્યાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ કે અન્ય સામગ્રી પકડાય તો વેપારીઓને દંડ પણ થાય છે. બીજી તરફ લોકોને પ્લાસ્ટિક વેગની અવેજમાં કોઈ મુશ્કેલી ન પડે એના વિકલ્પને ધ્યાને રાખી શહેરમાં 5 જગ્યાએ કાપડની થેલીના વેન્ડીંગ મશીનો મૂકવાનું આયોજન કર્યું છે. જે હાલ મુખ્ય શાકભાજી માર્કેટ, શાંતાદેવી રોડ સ્થિત શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ જેવા બજારોમાં મુકવામાં આવશે. જેની સાથે જ નવસારી ST ડેપો ખાતે પ્લાસ્ટિક બોટલના ક્રશિંગ મશીનને પણ ગોઠવવાનું આયોજન કર્યું છે. જેથી નવસારીને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય. નવસારીના શાકભાજી બજારોમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પ્લાસ્ટિક બેગ લઈને થતા વિવાદનું સમાધાન મહાપાલિકાએ કાપડની થેલીના વેન્ડિંગ મશીનથી કાઢ્યું છે. ત્યારે મહાપાલિકાની આ પહેલ કેટલી કારગર સાબિત થશે એ જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
