<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

૧૬ વખત લગ્ન કરી કુંવારા યુવકોને ફસાવ્‍યાઃ સુહાગરાત મનાવી બધું લૂંટી ભાગી જતી

ગુજરાતમાંથી લૂંટેરી દુલ્‍હનનો મોટો ભાંડાફોડઃ વાવ, ઈડર, પાટણ, બાવળા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતની જગ્‍યાએ લગ્ન કરી આ ટોળકીએ લાખો રૂપિયા ઉઘરાવ્‍યા

અમદાવાદ,તા.૨૧: પવિત્ર લગ્નસંબંધને લૂંટનું સાધન બનાવતી વધુ એક શાતિર ગેંગનો પર્દાફાશ મહેસાણાના બેચરાજી પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના છેડા રાજ્‍યભરના અનેક જિલ્‍લાઓ સુધી પહોંચ્‍યા. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્‍કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી અપાતી હતી. પોલીસે દુલ્‍હન, તેની માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે, જેમણે અત્‍યાર સુધીમાં ચાંદનીએ ૧૫થી વધુ લોકોને શિકાર બનાવ્‍યા, રશ્‍મિકાએ ૪ લગ્ન કર્યા, સોનલ ઉર્ફે રીંકલે ૨ લગ્ન કર્યા, જેમાં તેમણે લાખો રૂપિયાની છેતરપિડી આચરી હોવાનું સામે આવ્‍યું છે.

આ લૂંટેરી દુલ્‍હનનો ભાંડો ત્‍યારે ફૂટ્‍યો, જ્‍યારે બેચરાજીના આદીવાડા ગામના સચિન પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી. ગત ઓગસ્‍ટ માસમાં સચિને ૫ લાખ રૂપિયા અને દાગીના આપી અમદાવાદની ચાંદની રાઠોડ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર ચાર જ દિવસ બાદ ચાંદનીના કહેવાતા બનેવી રાજુ ઠક્કર આવ્‍યા અને પિતાની બીમારીનું નાટક કરી ચાંદનીને લઈ ગયા. બાદમાં ફોન બંધ કરી દીધો. જ્‍યારે સચિને તેમનો સંપર્ક કર્યો, ત્‍યારે છૂટાછેડા માટે સામેથી બીજા ૫૦ હજાર પડાવ્‍યા અને બળાત્‍કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દીધી.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો ચોંકાવનારી છે. આરોપી દુલ્‍હન ચાંદનીએ માત્ર સચિન જ નહીં, પરંતુ રાજ્‍યના અલગ-અલગ જિલ્‍લાઓમાં ૧૫થી વધુ લગ્નો કર્યા છે. વાવ, ઈડર, પાટણ, બાવળા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતની જગ્‍યાએ લગ્ન કરી આ ટોળકીએ લાખો રૂપિયા ઉઘરાવ્‍યા છે.

ચાંદની ઉપરાંત રશ્‍મિકા નામની અન્‍ય એક મહિલા પણ દુલ્‍હન બની છેતરપિડી કરતી હતી. જેના વડોદરામાં લગ્ન બાકી હતા, જ્‍યારે ૨ જગ્‍યાએ લગ્ન કર્યા હતા અને એક જગ્‍યાએ હાલમાં મેરેજ ચાલુમાં હતા, આ સિવાય એક અન્‍ય મહિલા સોનલ જેને ૨ લગ્ન કર્યા હતા આ ટોળકી લગ્ન દીઠ ૨ થી ૫ લાખ રૂપિયા વસૂલતી અને થોડા દિવસોમાં જ ફરાર થઈ જતી હતી. અત્‍યાર સુધીમાં તેઓએ અંદાજિત ૫૨ લાખ રૂપિયા અને દાગીનાનો આર્થિક લાભ મેળવ્‍યો છે.

આ ગુનાહિત ટોળકી પકડાઈ ન જાય તે માટે પૂરી સાવચેતી રાખતી હતી. ચાંદની અને રશ્‍મિકા લગ્ન સમયે પોતાના નામ અને અટક બદલીને ખોટા આધારકાર્ડ અને લિવિગ સર્ટિફિકેટ રજૂ કરતા હતા. હાલ પોલીસે ભારતીય ન્‍યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દુલ્‍હન ચાંદની, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્‍મિકાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(9:56 AM IST)