<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

૨૦ વર્ષ જૂના ૫ લાખ વાહનોની ફિટનેસ ફીમાં ૧૦૦ ટકા વધારાનો ડિસેમ્‍બરથી અમલ થશે

રાજ્‍યમાં કોમર્શિયલ અને નોન કોમર્શિયલ ૧૫ વર્ષ જૂના ૨૦ લાખ વાહનો

અમદાવાદ તા.૨૧: કેન્‍દ્રના વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા ૧૧ નવેમ્‍બર-૨૦૨૫ના રોજ ૨૦ વર્ષ જૂના કોમર્શિયલ વાહનના ફિટનેસના દરમાં ૧૦૦ ટકાનો વધારો કરાયો છે. જેનો આગામી ડિસેમ્‍બર-૨૦૨૫ સુધીમાં અમલ થશે. હાલ ગુજરાતમાં અંદાજે પાંચ લાખથી વધુ કોમર્શિયલ વાહનો ૨૦ વર્ષ જૂનાં છે.

આમાંથી અમદાવાદમાં અંદાજે ૪૦ હજારથી વધુ વાહનોને દર વર્ષે ફિટનેસ સર્ટિફેકટ લેવાનું હોય છે. જ્‍યારે રાજ્‍યમાં ૧૫ વર્ષ જૂના કોમર્શિયલ અને નોન કોમર્શિયલ ૨૦ લાખ વાહનો છે. મહત્ત્વનું છે કે, આઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનોમાં દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય છે.

રાજ્‍ય સરકારની સૂચના બાદ વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા હવે ફિટનેસ ટેસ્‍ટ અને સર્ટિફિકેટ મેળવવના નવા દર સાથે જાહેરાત કરાશે. નવા દરની જાહેરાત કરીને NSEને અમલ કરવા સૂચના આપશે. આ સાથે રાજ્‍યની ૩૯ આરટીઓ અને એઆરટીઓ કચેરીને પરિપત્રથી જાણ કરાશે. આગામી ડિસેમ્‍બર-૨૦૨૫માં અમલવારી થવાની શક્‍યતા છે. ૧૫ વર્ષ જૂના કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનોમાંથી અમદાવાદમાં અઢી લાખથી વધુ વાહનો સહિત રાજ્‍યમાં ૨૦ લાખથી વધુ વાહન છે. જેમાંથી ૨૦ વર્ષ પૂરાં થઇ ગયેલા વાહનોએ નવા દરનો અમલ થઇ ગયો તો આગામી મહિને વાહન ફિટનેશના નવા દર ચૂકવવા પડશે.(૩૮.૧૮)

ફી ઉપરાંત વસૂલાતી વધારાની રકમ પર કોઇ કંટ્રોલ નથીઃ કોમર્શિયલ વાહન માલિકો

રાજ્‍યમાં ૫૫ ફિટનેસ સેન્‍ટરો છે. જેમાંથી મોટાભાગના સેન્‍ટરોમાં વાહન ફિટનેસની નિયત ફી ઉપરાંત વસૂલાતી વધારાની રકમ પર કોઇ કંટ્રોલ નથી. વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરીને દંડ કરાય છે. આમ છતાં હાલની સ્‍થિતિમાં મોટાભાગના ફિટનેસ સેન્‍ટરના વેન્‍ડરો વધારાની રકમ વસૂલાત કરે છે. વધારાની રકમ સેન્‍ટરની બહાર સ્‍વિકરાય છે, તો કેટલાકમાં અંદર રકમ સ્‍વીકારાય છે. સ્‍થાનિક આરટીઓમાં ફરિયાદો છતાં કોઈ ઉકેલ જ નથી. વિભાગ તરફથી પણ વારંવાર ગેરરીતિ પકડાય છે. જેથી નવા દરોના અમલની સાથે કંટ્રોલિગ સિસ્‍યમ કડક કરવાની જરૂર છે.

(10:46 AM IST)