News of Friday, 21st November 2025
'ભાજપની ચૂંટણી જીતવાની લ્હાય' - BLO પર SIR કામગીરીના અસહ્ય દબાણથી ગીર સોમનાથમાં આત્મહત્યા - કપડવંજમાં હાર્ટ અટેકથી બે અધિકારીઓના મોત : જુઓ વિડિયો
ઈસુદાન ગઢવીએ SIR કામગીરી ઝડપથી પતાવવાના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો : 'પાંચ કરોડ મતદારોનું કામ એક મહિનામાં કઈ રીતે થાય?' : શિક્ષકો પર ૯૦ કામગીરીનો બોજ - AAPનો સંપર્ક કરવા તમામ BLO અધિકારીઓને ઈશુંદાન ગઢવીની અપીલ

ગાંધીનગર, તા. 21 નવેમ્બર : ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ઈસુદાન ગઢવી એ આજે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા *મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)*ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપની "કોઈપણ ભોગે ચૂંટણીઓ જીતવાની લ્હાય" ને કારણે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે કાર્યરત બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કામગીરીના દબાણથી બે BLOના કરુણ મોત
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે તાજેતરમાં SIRની કામગીરીના ભારે દબાણને કારણે બે BLO અધિકારીઓએ જીવ ખોયા છે:
* ગીર સોમનાથ: SIRની કામગીરીના દબાણમાં એક શિક્ષકે આત્મહત્યા કરી.
* કપડવંજ: કામના અસહ્ય બોજને કારણે એક BLO અધિકારીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું.
ગઢવીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલાઈ હોવાથી, ભાજપ સરકાર SIRની કામગીરી ઝડપથી પૂરી કરાવવા માટે શિક્ષકો પર દબાણ કરી રહી છે, જેના કારણે BLO આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.
શિક્ષકો પર ૯૦ પ્રકારની કામગીરીનો બોજ
ગઢવીએ ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા કહ્યું કે, ભાજપને "માણસ જીવે કે મરે અને દીકરાઓ ભણે કે ન ભણે" તેની કોઈ ચિંતા નથી.
* શિક્ષણનું નુકસાન: તેમણે સવાલ ઉઠાવ્યો કે શિક્ષકો પર ૯૦ પ્રકારની કામગીરી સોંપી દેવામાં આવી છે, તો તેઓ બાળકોને ભણાવશે ક્યારે? તેમણે ઉમેર્યું કે, "ભાજપના નેતાઓના છોકરાઓ પ્રાઇવેટમાં ભણે છે અને જ્યાં ગરીબના દીકરાઓ ભણે છે ત્યાં આજે શિક્ષકો જ નથી."
* દબાણ અને ગેરરીતિ: ગઢવીએ ચેતવણી આપી કે હજુ પણ ઘણા BLO SIRની કામગીરીમાં ખૂબ જ દબાણમાં છે અને કેટલાક BLO પર ખોટું કામ કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, "પાંચ કરોડ મતદારોનું કામ BLO એક મહિનામાં કઈ રીતે પતાવી શકે?"
ઈસુદાન ગઢવીની BLOs અને સરકારને અપીલ
આ ગંભીર મામલાને લઈને ઈસુદાન ગઢવીએ તમામ BLO અધિકારીઓ અને રાજ્ય સરકારને અપીલ કરી છે:
* BLOsને અપીલ: "તમામ BLO અધિકારીઓને અપીલ છે કે ખોટું પગલું ભરવું નહીં, કામના દબાણની ચિંતા ન કરો, AAP કાર્યકર્તાઓ તમારી વ્હારે આવવા તૈયાર છે." જો કોઈ ઉચ્ચ અધિકારી BLO અધિકારી પર ખોટું કામ કરવાનું દબાણ કરે તો AAPનો સંપર્ક કરવા વિનંતી છે.
* સરકારને અપીલ: "ભાજપ સરકારને મારી અપીલ છે કે શિક્ષકો પર દબાણ ન કરો, SIRની કામગીરી વેકેશનમાં પણ થઈ શકે છે."
ગઢવીએ અંતમાં કહ્યું કે, હાલમાં બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદારોને શોધે છે અને મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ શોધો છે – આ સ્થિતિ તાત્કાલિક સુધારવાની જરૂર છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
