<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ભાવનગર જિલ્લામાં ખેડૂત દંપતી પર હુમલાના સુરતમાં પડઘા: 30 ગાડીના કાફલા સાથે પાટીદાર સમાજ દેવળિયા જવા રવાના

ખેડૂત દંપતી અને સમગ્ર ગામને હૂંફ તથા આશ્વાસન આપશે : બપોરે 3.30 વાગ્યે દેવળિયા ગામ ખાતે એક વિશેષ "લોકસંવાદ" કાર્યક્રમનું આયોજન

ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં એક ખેડૂત દંપતી પર થયેલા હુમલાની ઘટનાના પડઘા સુરત સુધી પહોંચ્યા છે. આ ઘટના બાદ સુરતમાં વસતા પાટીદાર સમાજના લોકોએ એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, 30 જેટલી ગાડીઓના કાફલા સાથે પાટીદાર સમાજના સભ્યો દેવળિયા ગામ જવા રવાના થયા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિત પરિવારને હૂંફ આપવાનો અને ગામલોકો સાથે લોકસંવાદ કરવાનો છે.

સુરત ખાતે રહેતા અને સૌરાષ્ટ્ર સાથે ગાઢ સંબંધ ધરાવતા પાટીદાર સહિતના અનેક લોકોમાં આ ઘટનાને કારણે દુઃખ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. પરિણામે, ખેડૂત દંપતી અને સમગ્ર ગામને હૂંફ તથા આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતથી એક મોટું જૂથ ગત મોડીરાત્રે દેવળિયા ખાતે રવાના થયું હતું. આ ગંભીર પરિસ્થિતિ અને ખેડૂતોની સુરક્ષાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને, આજે 21 નવેમ્બર, 2025ના રોજ બપોરે 3.30 વાગ્યે દેવળિયા ગામ ખાતે એક વિશેષ "લોકસંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઘટના અંગે વિજયભાઈ માંગુકિયાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં એક ખેડૂત દંપતીને જે રીતે માર મારવામાં આવ્યો, અને તે પછી જે પ્રકારે અભદ્ર ભાષામાં તેમની સાથે વર્તન કરવામાં આવ્યું, તે અત્યંત નિંદનીય છે. આ માર મારવા પાછળનું મુખ્ય કારણ તેમનો પ્લોટ પચાવી પાડવાનો હતો. અસામાજિક તત્વોએ પ્લોટની દીવાલ પાડી કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રતિકાર કરતા દંપતી પર હુમલો કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, પીડિત પરિવારે હિંમત કરીને ફરિયાદ નોંધાવી છે, જોકે પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો હતો. આથી, સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર લોકો, યુવાનો અને આગેવાનોએ હાજરી આપી હતી. આ બેઠકમાં પરિવારને હૂંફ પૂરી પાડવા અને સમર્થન આપવા માટે ૩૦ જેટલી ગાડીઓના કાફલા સાથે સૌરાષ્ટ્ર જવા પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવાયો હતો.

અભિનભાઈ કળથીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં રહેતા વડીલોને અસામાજિક તત્વો દ્વારા યેનકેન પ્રકારે હેરાન-પરેશાન કરીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા વડીલોના દીકરાઓ સુરત જેવા શહેરોમાં સ્થાયી થયા હોવાથી, ગામડે રહેતા તેમના માતા-પિતા ઘણીવાર નિશાન બનતા હોય છે. દેવળિયા ગામમાં બનેલી ઘટના પણ આનું જ ઉદાહરણ છે, જ્યાં એક પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવાના પ્રયાસના ભાગરૂપે વૃદ્ધ દંપતીને માર મારવામાં આવ્યો અને 90 વર્ષના વૃદ્ધાને ગાળો પણ આપવામાં આવી.

અભિનભાઈએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રયાસનો ઉદ્દેશ્ય ગામડાના લોકોમાં હિંમત વધારવાનો છે, જેથી તેઓ આવા અસામાજિક તત્વો સામે ડરવાને બદલે પોલીસ ફરિયાદ નોંધાવે અને પોલીસ મજબૂતાઈથી કાર્યવાહી કરે. સુરતથી 30થી વધુ ગાડીઓનો કાફલો ગામડે જઈને વડીલો અને ગ્રામજનોને હિંમત આપવાનો પ્રયાસ કરશે. દેવળિયા ગામમાં અંદાજિત 500 થી 600 લોકો એકત્ર થશે તેવી સંભાવના છે.

(2:15 PM IST)