તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
દિલ્હી બોમ્બ કાંડ બાદ ગુજરાત સરકાર સતર્ક : સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ૧,૬૩૭ આરોપીઓના ડોઝીયર્સ તૈયાર કરાયા
ગૃહ વિભાગના નિર્દેશ બાદ છેલ્લા ૩૦ વર્ષમાં હથિયાર ધારા, એનડીપીએસ, યુએપીએ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપીઓનું ૧૦૦ કલાકની અંદર સઘન ચેકિંગ પૂર્ણ : સુરત ગ્રામ્યમાં સૌથી વધુ ૬૫૧ અને ડાંગમાં સૌથી ઓછા ૮૭ આરોપીઓની ચકાસણી

રાજકોટ, તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૫ : દિલ્હીમાં થયેલા બોમ્બ કાંડની ઘટના બાદ ગુજરાત સરકારનું ગૃહ વિભાગ સક્રિય બન્યું છે. રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના ભાગરૂપે, ગૃહ વિભાગે છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ જેવા કે હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એપ્લોઝીવ એક્ટ, બનાવટી ચલણી નોટો, ટાડા/પોટા/મકોકા/યુ.એ.પી.એ. એક્ટ તથા પેટ્રોલિયમ એક્ટ હેઠળ દાખલ થયેલા ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓની યાદી બનાવી, તેમનું ૧૦૦ કલાકની અંદર સઘન ચેકિંગ પૂર્ણ કરીને ડોઝીયર્સ ખોલવાનો નિર્દેશ આપ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં સઘન ચેકિંગ અને કામગીરી
આ સૂચનાના પગલે, દક્ષિણ ગુજરાતના સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના નેતૃત્વમાં સુરત ગ્રામ્ય, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં તા. ૧૭/૧૧/૨૦૨૫ થી તા. ૨૦/૧૧/૨૦૨૫ દરમિયાન ૧૦૦ કલાકની અંદર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં કુલ ૧,૬૩૭ જેટલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા અલગ અલગ જિલ્લામાં ચેકિંગ કરાયું હતું અને તમામ જિલ્લાના એસપીના માર્ગદર્શન હેઠળ માહિતીનું પત્રક ભરવામાં આવ્યું હતું.
જિલ્લાવાર ચેકિંગના આંકડા
૧૦૦ કલાકના આ સઘન અભિયાન દરમિયાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓની જિલ્લાવાર ચકાસણી નીચે મુજબ કરવામાં આવી હતી:
* સુરત ગ્રામ્ય માં સૌથી વધુ ૬૫૧ આરોપીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
* વલસાડ જિલ્લામાં ૪૭૧ આરોપીઓ ચેક કરવામાં આવ્યા હતા.
* નવસારી જિલ્લામાં ૩૨૧ આરોપીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
* તાપી જિલ્લામાં ૧૦૭ આરોપીઓની ચકાસણી કરવામાં આવી હતી.
* ડાંગ જિલ્લામાં સૌથી ઓછા ૮૭ આરોપીઓ ચેક કરવામાં આવ્યા હતા.
સુરત રેન્જ દ્વારા સુરક્ષાના હેતુથી સંવેદનશીલ કેટેગરીના આરોપીઓ પર નજર રાખીને તેમની ગતિવિધિઓ અને વર્તમાન સ્થિતિનું ડોઝીયર્સ તૈયાર કરવાની મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
