<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સકંજો : દારૂની ગેરકાયદે હેરફેર કરનાર સંગઠિત ટોળકીના ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ

મહારાષ્ટ્રના નંદુરબારના મુખ્ય સૂત્રધાર વિશ્વાસ ભીમરાવ બડોગે (ગડરી) સહિત ૧૦ વિરુદ્ધ ગુજસીટોક કલમ હેઠળ FIR : સુરત શહેર/ગ્રામ્ય અને તાપીમાં દારૂનો જથ્થો સપ્લાય કરનારા ૫ આરોપીઓની તાત્કાલિક ધરપકડ : મુખ્ય આરોપી સામે ૮૨ પ્રોહિબિશન ગુના

રાજકોટ, તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૫ : ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરી છે. SMC એ મહારાષ્ટ્ર, ગોવા, દમણ, હરીયાણા, પંજાબ અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની ગુજરાતમાં ગેરકાયદે હેરફેર કરનારી સંગઠિત ગુના આચરતી ટોળકી (Organized Crime Syndicate) સામે ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (G.C.T.O.C. - ગુજસીટોક) ૨૦૧૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સંગઠિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો
સુરત શહેર પોલીસ કમિશ્નર તરફથી મળેલી મંજૂરીના આધારે, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ ગુજસીટોક એક્ટની કલમો ૩(૧)(૨), ૩(૨), ૩(૪) તથા ૩(૫) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ગુનામાં મુખ્ય સૂત્રધાર વિશ્વાસ ભીમરાવ બડોગે (ગડરી), રહે. નવાપુરા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર, તથા તેના ૦૯ સાગરીતો મળીને કુલ ૧૦ આરોપીઓ ને નામજોગ જાહેર કરવામાં આવ્યા છે.
પાંચ આરોપીઓની ધરપકડ
ગુનાની તપાસ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક સુમન નાલાને સોંપવામાં આવી છે. SMC ની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે:
૧. વિશ્વાસ ભીમરાવ બડોગે (ગડરી) (મુખ્ય સૂત્રધાર, રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)
૨. ઇમરાન ઉર્ફે બલ્લી અબ્બાસ મુલતાની (રહે. નવસારી)
૩. પંકજભાઇ નામદેવભાઇ સોનવણે (રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)
૪. રાહુલ સોમન મંડલ (રહે. સુરત, મૂળ બિહાર)
૫. જહાંગીર યાકુબભાઇ મન્સુરી (રહે. સુરત, મૂળ નંદુરબાર, મહારાષ્ટ્ર)
પકડાયેલા પાંચેય આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીઓના મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ કબ્જે કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
અન્ય ગુનાઓની વિગતો
આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર વિશ્વાસ ભીમરાવ બડોગે (ગડરી) પંજાબ, હરીયાણા, ગોવા, દમણ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટા પ્રમાણમાં IMFL જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવા અંગે ગુજરાત પ્રોહીબીશન એક્ટ-૧૯૪૯ હેઠળ કુલ ૮૨ ગુનાઓ માં સંડોવાયેલો છે. ટોળકીના અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ૧૫ થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચાલુ વર્ષ-૨૦૨૫ માં પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અલગ-અલગ ટોળકીઓ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળની આ કુલ ૦૫મી એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. આ પાંચ ગુનાઓમાં કુલ ૪૫ આરોપીઓ પૈકી ૨૮ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(11:25 AM IST)